પૃષ્ઠ:Divasvapna.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૩ ]


બીજો કહે: “પણ લેસન તો આવડવું જ જોઈએ; ને ન આવડે તો માસ્તર મારે જ ને !”

મેં પૂછ્યું: “પણ કોઈ ગોખે ને તો યે ન આવડે તો ?”

ત્રીજો કહેઃ “તો યે માસ્તર તો મારે. માસ્તર તો મારે જ. ન આવડે તો મારે."

મેં કહ્યું: “એ તો ઠીક, પણ તમને કોઈને માર ખાવો ગમે?”

બધા કહે: “ના; એ તે કોને ગમે !”

મેં કહ્યું: “હું લેસન આપીશ ને તમે નહિ કરી લાવો તો મારે તમને મારવા કે નહિ ?”

“પણ અમે લેસન કરી જ લાવીશું.”

“પણ ગેાખશો તો યે નહિ આવડે તો ?”

“તો...તો મારવું નહિ. મારો તો તો વાગે ! ન આવડે તો વધારે ભણાવજો ને અમે વધારે ગેાખીશું.”

મેં કહ્યું: “વારુ ત્યારે, આપણે આપણી વાત આગળ ચલાવીએ.”

પણ છોકરાઓનું મન આજે પેલા જીવામાં હતું. તેઓ બધા કહે: “જોજો તો, જીવો તો એવો છે કે પાછળથી માસ્તરને ગાળો દેશે ને ભીંત ઉપર એમનાં ચિત્ર કાઢશે ને જોડે ગાળો લખશે.”

મેં કહ્યું: “જીવાએ એમ ન કરવું જોઈએ. માસ્તરને એમ ન થાય.”

બધા કહે: “પણ માસ્તર એને બહુ મારે છે !”

મેં કહ્યું: “ત્યારે શું કરવું?”

છોકરાઓ કહેઃ “એને ન મારવો.”

મે કહ્યું: “ત્યારે લેસનનું?”

છોકરાઓ કહેઃ “લેસન ન કરી લાવે તો એને શાળામાંથી કાઢી મૂકવો. નાહકનો મારવો શું કામ ! મારવાથી આવડતું હોય તો તો રોજ મારે જ છે ને !”