પૃષ્ઠ:Divasvapna.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૫ ]


મેં કહ્યું: “માબાપોને ઘણું સમજાવું છું પણ ગળે જ નથી ઊતરતું સારાં સારાં પૈસાદાર માબાપો પણ સમજતાં નથી. એ તો કહે છે કે 'નાનપણમાં અમે પણ એમ જ શાળાએ જતાં.' તેઓ કહે છે કે “રોજ ને રોજ એ બધું તો કોણ કરે ! ભાઈ, તમારું કામ ભણાવવાનું છે તે ભણાવો ને ! આ બધું અમે જોઈ લઈશું.” બહુ થોડો સુધારો થઈ શક્યો છે. ખરેખર સાહેબ, મને એવા વિદ્યાર્થીઓને ભણાવવું નથી ગમતું.”

સાહેબ કહે: “ત્યારે એમ છે ! આપણો જનસમાજ આવો છે. આ સમાજને સંસ્કારી કરવો એટલે તો નેવાનાં પાણી મોભે લઈ જવાં ! તોપણ જ્યારથી આ ખાતું મેં હાથમાં લીધું છે ત્યારથી કંઈક માબાપો ઉપર પણ ઠીક અસર કરી છે.”

મેં કહ્યું: “ત્યારે આપ એક હુકમ ન કાઢી શકો ?”

“એવો હુકમ મારાથી ન કઢાય. મારા અધિકારની બહાર છે.”

“અધિકારની બહાર ! તો પછી આ૫ આવડા મોટા અધિકારી શાના ?”

“આતો રાજ્ય છે. વળી અન્યત્ર પણ આવી સત્તા અધિકારીઓ પાસે નથી હોતી.”

મેં કહ્યું: “ત્યારે?”

ઉપરી સાહેબ: “ત્યારે તમે મોટી સત્તાને હલાવો તો જ આવા હુકમો નીકળે. વળી લોકો આવા હુકમનો ક્યાં અમલ કરવાના છે! વળી તેઓ આપણા હુકમો ન માને તો આપણે શું કરીએ ? ”

“શાળામાંથી બાળકને કાઢી મૂકીએ.”

“તે ન બને; તેમ કરીએ તો હોહો થાય.”

મેં કહ્યું: “એ બધું થઈ શકે; પણ સત્તા વિના શાણપણ શા કામનું ! ખરી વાત છે કે આપણે મહેતાજી એટલે શી વિસાતમાં!”

ઉપરી સાહેબ: “ત્યારે એમ જ સમજો; ને ચાલે છે તેમ ચલવ્યે રાખો. ”