પૃષ્ઠ:Divasvapna.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૬]


“ના, એ તો જાણે નહિ જ બને. છેવટે હું શાળાની અંદર જેટલો પ્રયત્ન થઈ શકે તેટલો કરી છૂટીશ. બાળકોને તેવી ટેવમાં કેળવીશ, ઉપરાંત આ બાબતમાં નવરાશ મળશે ત્યારે જાહેર હિલચાલ કરીશ. ખરી વાત તો એમ છે સાહેબ, કે લોકોને ભલે પડી ન હોય પણ આ શાળાની ગંદકીની પરિસ્થિતિ એટલે તે રોગને ઉછેરવાનું જ સ્થાન !”

ઉપરી સાહેબઃ “વારુ, તમને ગમે તેમ તમે કરો. પ્રયોગ કરવા તો તમે આવ્યા છો. પણ આ ચેાથો માસ પૂરો થવા આવ્યો છે. જોજો, વખત દોડ્યો જાય છે.”

નમસ્કાર કરી હું ઘેર આવ્યો. ઘરના ખર્ચે (કંટિજંટમાં તો શું હતું કે ખરીદી શકું ! ) બે સરસ મજાની સાવરણી લીધી; એક નાનો એવો આરસો લીધો; એક દાંતિયો ને એક ખાદીનો કટકો લીધો, ને એક નાની સરખી કાતર લીધી. સારું હતું કે નિશાળના કંપાઉંડમાં નળ તો હતો. વર્ગમાં બધી તૈયારી કરી રાખી.

મેં છોકરાઓને હારબંધ ઊભા રાખ્યા. તેઓ હવે તો સારી રીતે અભિમુખ થયા હતા. મારા પર તેમની પ્રીતિ હતી. હું કંઈ ને કંઈ પણ તેમને ગમે તેવું ને ફાયદાકારક કરું છું તેમ તેમને લાગ્યું હતું.

મે આરસામાં સૌને તેમનાં મોં બતાવ્યાં ને કહ્યું: “જેઓને લાગતું હોય કે પોતાનાં મોં, આંખ, નાક, ગંદાં છે તેઓ નળે જઈ ધોઈ નાખે. સાથે હાથપગ પણ ધુએ ને વાળ પણ ભીના કરે.”

એ તો તબડ તબડ કરતા બધા ઊપડ્યા ને ઉપરાછાપરી પડતા હાથ, મોં, પગ, વગેરે ધોવા લાગ્યા.

મેં વિચાર્યું કે “આ લોકોને આગળપાછળ ચાલતાં અને ક્રમવાર કામ કરતાં બતાવવું જોઈશે. આમ ધબડ ધબડ કામ તો આપણો આખો સમાજ કરે જ છે. એ અણઘડતામાંથી તો આપણે આ લોકોને ઉગારવા છે.”