પૃષ્ઠ:Divasvapna.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૭]


તુરતજ મેં ત્યાં એક લીટો કર્યો ને સૂચના આપી: “આ લીટા પર સૌ ઊભા રહો ને વારાફરતી નળ પર જાઓ.”

હું બે હાથમાં બે ખાદીના ટુકડા લઈ ઊભો રહો; ને બંને બાજુ હાથ, પગ, મોં, માથું લોવાવા લાગ્યાં.

આવી રીતે નિશાળના કંપાઉંડમાં તો પહેલવહેલું જ થતું હતું. રસ્તે જતા માણસો જોઈ રહ્યા હતા કે નિશાળમાં વળી આ શું ચાલે છે !

બધાએ હાથમાં ધોઈ લીધાં એટલે અમે વર્ગમાં ગયા, ને મેં દાંતિયો આપી આવડે તેમ એાળી લેવા સૌને કહ્યું. ટોપીઓને એક ખૂણામાં મૂકાવી હતી. બધા સ્વચ્છ થયા, સુંદર દેખાયા, સ્વસ્થ થયા.

મે ચાકથી ગોળ દોર્યો ને સૌને તે પર બેસાર્યા. હું પણ એ જગ્યાએ બેઠો ને મેં તેમને કહ્યું: “હવે જુઓ, તમારા હાથ કેટલા ચોખ્ખા છે ! તમારું મોં કેટલું સુંદર લાગે છે ! તમને આ ગમે કે નહિ?”

સૌએ કહ્યું: “હા.”

મેં કહ્યું: “ત્યારે આપણે એમ કરીએ તો ? રોજ નિશાળે આવીને આ કામ તમારે કરી લેવું; પછી આપણે બીજું કામ કરીશું.”

તે દિવસે મને સારું લાગ્યું; દિલ પ્રસન્ન થયું. મેં કહ્યુંઃ “ચાલો આજે કવિતા બોલીએ.” હું જે પહેલી કવિતા બોલ્યો તે એક પ્રાર્થના હતી. સહેજે આજે મારા મનમાંથી પ્રાર્થના નીકળી ગઈ.

તે દિવસે નખનું કામ રહી ગયું. કપડાં અને બુતાનનું તો બાકીજ હતું. ચલાવી લેવાનું રાખી તે દિવસનું બીજું કામ ઉપાડ્યું.