પૃષ્ઠ:Divasvapna.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૯]


ઉપરી કહેશે કરો આ પ્રમાણે ને તે પ્રમાણે; ને નહિ ફાવો તો બગલથેલો લઈને ક્યાંક ઊપડી જશો !”

હેડમાસ્તર આવ્યા: “અરે લક્ષ્મીરામભાઈ, આ તે શું કાંઈ ધૂડી નિશાળ છે કે મોપાટ જેમ કવિતાઓની મોપાટ લેવરાવો છો ! જો નવા અખતરા થાય છે ! આ તો બાપદાદા યે જાણે છે.”

બધા જતા રહ્યા પછી મને થયું: “આ તો માર્યા ! સહગાનને હમણાં કોરે મૂકીએ. ગાનશ્રવણ કાઢીએ.”

મેં છોકરાઓને કહ્યું: “ઊભા રહો, હું ગાઉ ને તમે સાંભળજો.”

મેં 'નથ ઘડી દે સોનારા રે મારી નથ ઘડી દે સોનારા' ગાયું. મારો રાગ તો જાણે ગધેડું મોહિત થાય એવો ! પણ હવે બસૂરો નહિ એટલે ચાલ્યું તો ખરું. મને થયું કે રાગ સારો હોત તો ઠીક હતું, પણ મેં ઢબથી ને અભિનયથી ગાયું. એમ તો મેં અભિનયનો અભ્યાસ કરેલો. કેટલાક છોકરાઓને ગમ્યું; પણ કેટલાક તો આળસ મરડવા લાગ્યા ને ચાળા કરવા લાગ્યા. બાકી ચંપક જેવા તે બાડી આંખ કરી જાણે કે મશ્કરી જ કરતા હતા ! મારી નજર બહાર તે ન હતું. પણ તે તો હું હાથમાં લઈજ રહ્યો હતો.

જેમને ગાન સાંભળવું નહોતું ગમતું એમ લાગ્યું તેમને મેં કહ્યું: “તમે જુદા બેસો. પાટીમાં તમને ગમે તે લખો કે ચિત્ર કાઢો.”

બીજું ગાન ગાયું; રસ વધ્યો. પાછું ત્રીજું ચલાવ્યું. સૌથી વધારે બીજું ગાન ગમ્યુ ને તે વારે વારે ગાયું. જેમ જેમ ગવાતું ગયું તેમ તેમ રસ વધ્યો. છોકરાઓને મેં કહ્યું: “જુઓ, મારું ગીત સાંભળજો પણ બોલશો નહિ. શાળાના કંપાઉંડમાં તો બોલશો જ નહિ.”

બે દિવસ થયા ને છોકરાઓ 'નથ ઘડી દે' ગાવા લાગ્યા. પણ મારો સખ્ત હુકમ કે કંપાઉંડની બહાર !