પૃષ્ઠ:Divasvapna.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૨]


હું મનમાં વિચાર કરતો હતોઃ “આમ ધર્મોપદેશ થાય ! ધર્મનું તત્ત્વ જે અતિ ગૂઢ છે, અને જેને જાણતાં જીવન આખાને સમર્પી દેવું પડે છે, તે આમ આપી શકાય ! આનું નામ ધર્મશિક્ષણ કે ધર્મની માહિતી ! વળી આ ધર્મની માહિતી એ શું જીવ વિનાનું ખોળિયું નહિ ?”

મારા મનમાં વિચાર ચાલતા હતા ત્યાં તો સ્વામીજીએ શ્લોકો બોલવા માંડ્યા. છોકરાઓ તો જેમતેમ કરી ઝીલતા હતા, પણ સમજતા ન હતા, તેથી તેએા વધારે તો ગંમત ખાતર અવાજ કાઢતા હતા.

સાચે જ સ્વામીજી તો ગંભીર હતા. તેઓને મન આ કાર્ય આવશ્યક અને પવિત્ર જ હતું. તેઓ પોતાનું કર્તવ્ય બરાબર જ કરતા હતા; પણ છોકરાઓ પૂરતું આ ભેંશ આગળ ભાગવત હતું.

સ્વામીજીએ શ્લોકોનો અર્થ આપવા માંડ્યો. છોકરાએાને તે સાંભળવો પડ્યો. સ્વામીજીએ અર્થ પાટિયા પર લખ્યો ને છોકરાઓને તે ઉતારી લેવા કહ્યું. પછી સ્વામીજીએ કહ્યું: “આ શ્લોક રોજ સવારે ઊઠીને બોલવો; સાંજે સુતી વેળા બોલવો. તેથી બુદ્ધિ વધશે, બળ વધશે, તેજ વધશે.”

મારા વર્ગના દસદસ બારબાર વર્ષના છોકરા ! એમને શી પડી હતી ધર્મની ને શ્લોકની ! પણ તેઓએ શ્લોક ઉતાર્યો ને અર્થ ઉતાર્યા.

મારા વિચાર આગળ વધતા હતા: “આ ધાર્મિક શિક્ષણને બીજે ક્યાંયે આપવાની જગા નથી રહી તે હવે શાળામાં આવે છે ! આગળ તો દેવમંદિરમાં પ્રવચનો થતાં ને ઘરમાં માબાપો તે પ્રમાણે વર્તતા હશે ને એ રીતે ઘરના આચારો છોકરાઓને ધાર્મિક શિક્ષણરૂપ થતા હશે. પણ લોકોને હવે ધાર્મિક પ્રવચનો