પૃષ્ઠ:Divasvapna.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૪]


સ્વામીજી કહેઃ “હા, એ વાત ઠીક છે, પણ...”

મેં જરા વચ્ચેથી કહ્યુંઃ “ધર્મ શાકમૂળા નથી કે બજારુ વસ્તુ નથી. ચોપડીમાં છપાય છે તે ધર્મ નથી. આપને એમ નથી લાગતું કે આવી મહત્ત્વની વાતને વધારે ને વધારે ગૂઢ રાખવી જોઈએ ? વધારે ને વધારે ગુપ્ત રાખવી જોઈએ ? ને ભારે શ્રમ પછી જ તે મળવી જોઈએ ?”

સ્વામીજી: “હા, એ માટે તે આપણા પૂર્વજોને ગુરુઆશ્રમે રહેવું પડતું હતું ને ધર્મ સમજવા માટે કાયાને નિચોવી નાખવી પડતી હતી."

મેં કહ્યું: “ પણ આજે તો આપણે ઘેર ઘેર ને શાળાએ શાળાએ ઉપદેશ દઈ લોકોને ધર્મની લહાણી કરવા નીકળ્યા છીએ !”

સ્વામીજી: “પણ આ તો કલિયુગ છે. આજે કોણ ગુરુ પાસે આવે એમ છે !”

મેં કહ્યું: “તો પડ્યું રહ્યું, ધર્મ વેચવાથી કે ભેટ ધરવાથી નહિ આવે.”

સ્વામીજી: “ત્યારે ?”

મે કહ્યું: “મને લાગે છે કે ધર્મોપદેશ નાનાં બાળકો પાસે ન કરાય. તેમને તો આજે સ્વસ્થ શરીર, તંદુરસ્ત મન, નિર્મળ બુદ્ધિ, અથાક ક્રિયાશક્તિ, એ આપવાં જોઈએ. તેમને બધી રીતે બળવાન કરવાં જોઈએ.”

સ્વામીજી કહે: “હં, બળવાન હોય તે જ આત્માને પકડી શકે છે. ”

મે કહ્યું: “જેમ એક કાળે યૌવન ફાટી નીકળે છે તેમ એક કાળે ધર્મજિજ્ઞાસા ફાટી નીકળશે એમ મારું માનવું છે. અકાળનો ગૃહસ્થાશ્રમ જેવો આ અકાળનો ધર્મ પરિચય લાગે છે. ધર્મને