પૃષ્ઠ:Divasvapna.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૭ ]


“ભાઈ, આપણે ગીતો ગાઈએ.”

મને થયું: “આ તો નિષ્ફળ ગયા !”

બધા મારી ફરતા ફરી વળ્યા ને મને હળવેથી હાથ ખેંચી રમવા ઉપાડ્યો.

મેં રાતે વિચાર કર્યોઃ “ઐતિહાસિક સત્ય ભારોભાર સાચવ્યે નહિ પાલવે. એમ તો એ બધી હકીકતને અક્ષરશ: કોણે જોઈને લખી છે ! વાર્તા દ્વારા જ કદાચ ઇતિહાસ રસદાયક થાય. વળી વાર્તામાં વાર્તાપણું તો જોઈશે જ. માટે મૂળ હકીકતની આસપાસ શક્ય એવી કલ્પિત વાતો ગોઠવીને ઇતિહાસ કહું.”

બીજે દિવસે વાર્તા ઉપાડીઃ

“એક મોટું એવું જંગલ હતું. ભીલો રહેતા હતા. એનાં આવાં આવાં શરીરો હતાં તીર મારતાં તો એવું આવડે કે ઊડતા પંખીને ધાર્યું પાડે. ત્યાં એક ઝૂંપડી હતી.” વગેરે વગેરે.

વિદ્યાર્થીઓ વાર્તાના જાદુમાં આવી ગયા ને વાર્તાને પી જવા લાગ્યા. મેં તો વનરાજની વાત હાંકેલી મૂળ હકીકતોની આસપાસ સુંદર રંગ પૂરતો હતો.

વાર્તા અધૂરી રહી.

બીજે દિવસે બીજું કામ જ થવા ન દીધું !

“બસ વનરાજ, વનરાજ, વનરાજ કહો.”

મેં વાર્તા પૂરી કરી. જરા બીતાં બીતાં પૂછ્યું: “ફરી વાર વાર્તા સાંભળવી હોય તે ઊભા થાય.”

એક નહિ પણ બધા ઊભા થયા.

બીજે દિવસ વાર્તા ચાલી. ત્રીજે દિવસ, ચોથે દિવસ, એમ ઇતિહાસની વાર્તા ચાલવા માંડી. કોઈ રમવાનું કે ગાવાનું નામ જ ન લે.

હું જોતો હતો કે ક્યાં સુધી રસ રહે છે.