પૃષ્ઠ:Divasvapna.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૮ ]


કોઈએ ઉપરી સાહેબને કહ્યું હશે: “અખતરો કેવો થયો એની ખબર તો ખળે પડશે; ને તે દિવસે શિક્ષકને કહેશો કે એને ન આવડ્યું ? પણ આ છોકરાઓનું વર્ષ બગડશે તેનું શું ?”

જરૂર કોઈ શિક્ષક આવું કહી આવે તેની મારા મનને નવાઈ ન હતી. મારા છોકરાઓને વાર્તા મળતી ને ખુશી રહેતા. બીજા શિક્ષકાના છોકરાઓ વર્ગમાં અસંતોષ બતાવે, વાર્તા માગે, ભણવામાં ધ્યાન આપે નહિ ને તોફાન કરે; એટલે બીજા શિક્ષકો મારી સામે ખિજાય.

હું કહું: “ભાઈ, તમે તમારે માર્ગે જાઓ. મારે તો અખતરો છે. મારે હૈયે હિંમત છે. હું યે ચિંતા તો કરું છું કે છોકરાઓનું વર્ષ ન બગડે; ને તે માટે મહેનત કરી રહ્યો છું. પણ મારે મારી રીત છે ને તમારે તમારી રીત છે. કહો તો બીજે ઠેકાણે અહીંથી આધે મારો વર્ગ ચલાવું.”

એક દિવસ ઉપરી અધિકારી મારો વર્ગ જોવા આવ્યા.

એમ તો ભલા હતા; પણ બધો વખત વાર્તાનો જ જોઈ તેઓ પણ કચવાયા. મને કહે: “ભાઈ, છોકરા આમ ઇતિહાસ નહિ શીખે. વાર્તા સાંભળે ત્યાં સુધી મજા. પછી તો અા કાને સાંભળ્યું ને આ કાને બહાર ગયું ! આમાં ભણાવ્યું શું ને એમને આવડ્યું શું !

મને વાત તો ઠીક લાગી. મને પણ થયું: “છેવટે વાર્તાની મુખ્ય વાત તો યાદ રહેવી જોઈશે, નહિતર ઇતિહાસની પરીક્ષામાં નાપાસ થશે.” મારે માથે પરીક્ષાનું બંધન તો હતું જ.

મેં એક અજમાયશ કરી. વનરાજની વાર્તા ત્રીજી વાર ચાલતી હતી તેમાં જરાતરા ફેરફાર કરીને કહેવા લાગ્યો. છોકરાઓ કહેઃ “એમ ન હતું. તમે તો આમ કીધેલું. પહેલાં તો હજાર ઘોડાં કીધાં હતાં અને હવે પચાસ કેમ કહો છો ! પહેલાં તો નદીકાંઠે ઝૂંપડું હતું.” વગેરે.