પૃષ્ઠ:Divasvapna.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૨]


બધા વર્ગના વિદ્યાર્થીઓને એકઠા કરી હેડમાસ્તર પોતાની નજરે સારા સારા લાગતા ગાનારને, સારા સારા ચોખ્ખું બોલનારને એકઠા કરતા હતા. મારા પર પણ નોટિસ આવી હતી; પણ મારા વર્ગના છોકરાઓ ત્યાં હાજર ન હતા. મને હેડમાસ્તર સાહેબે ખુલાસો પૂછયો ને મે કહ્યું: “મારા વર્ગના છોકરાઓ આ કામમાં ભાગ લઈ ન શકે.”

“કેમ ?”

“આ તો ફક્ત સાહેબ મહેરબાનને રાજી કરવા અને તેમની વાહ વાહ લેવા માટે કરીએ છીએ.”

“પણ તેવો આપણો રિવાજ છે. આપણા ઉપરી સાહેબની તેવી ઈચ્છા છે.”

“હા, તેમ હશે. પણ મારું મન તેમ કરવા કબૂલ કરતું નથી. હું તેમાં ભાગ નહિ લઉં. મારા વર્ગના છોકરાઓ નહિ આવે.

“તો મારે ઉપરી સાહેબને જણાવવું જોઈશે. તમે સહકાર આપતા નથી ને ખલેલ પહોંચાડો છો !”

“આપ જરૂર એમના પર લખશો જ. હું તેમને યોગ્ય જવાબ આપીશ.”

“વારુ ત્યારે, તેમ કરીશું.”

જરા અકળાઈ ગએલા હેડમાસ્તરે મારી બાબતમાં તે જ ધડીએ રિપોર્ટ કરી નાખ્યો.

શાળાના બીજા છોકરાએાને પસંદ કરવામાં આવ્યા: શામજી અને ભીમજીને સંસ્કૃત શ્લોકો બોલવા માટે, દેવજી અને ખીમજીને કવિતા ગાવા માટે. ચંપક અને રમણીકને તથા નેમચંદ અને મગનલાલને સંવાદોમાં મૂકયા. બાકીના ઊંચા, જાડા અને દેખાવડા પાંચપંદરને ડ્રિલ માટે ચૂંટયા.