પૃષ્ઠ:Divasvapna.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૪ ]


જોઈએ, આ તો આપણો કેવળ ઢોંગ છે, દેખાવ છે, સાહેબની પણ છેતરપીંડી છે.”

“કેમ?"

“એમ કે આપણે જે બધું તેમને બતાવીશું તે માત્ર મારી મારીને અને ગોખાવી ગોખાવીને તૈયાર કરાવીને. વળી એ કાંઈ આપણે ભણાવીએ છીએ તેનું સાચું પરિણામ થોડું જ છે ! કેટલા યે દિવસો રીહર્સલ થશે ને ગોખણપટ્ટી ચાલશે ત્યારે પોપટ જેમ છોકરાઓ પઢશે-અને તે પણ પાછળથી મદદ મળશે ત્યારે ! છોકરાઓનો વખત અને પ્રાણ બંને તંગ થશે, ભણતર પડશે; આજે જેમને આ બધા કામને માટે પસંદ કર્યા છે તેઓ બધા એવા છે કે એકે એક હેરાન થઈ જશે ત્યારે તૈયાર થશે.”

“પણ એમાં છેતરપીંડી ક્યાં ?”

“છેતરપીંડી એમ કે આપણે સાહેબને ઠસાવવા માગીએ છીએ કે અમારા છોકરાઓ હોશિયાર છે, અમારી શાળા સુંદર છે, અમારું કામ નમુનેદાર છે. પણ આપણે તો શું છે અને શું નથી તે જાણીએ છીએ.”

સાહેબ જરા મૂંગા રહ્યા, વિચાર કરતા બેઠા. મેં આગળ કહ્યું: “આપણે તો ઢોંગ કરીએ છીએ પણ છોકરાઓને પણ તે રસ્તે લઈ જઈએ છીએ. સાહેબ પણ ખુશ થવાનો ડોળ કરશે ને ઈનામ આપતી વખતે ભાષણ કરશેઃ 'આ છોકરાએાએ જે બુદ્ધિશક્તિ અને આવડતવાળું કામ બતાવ્યું છે તેથી અમે ખુશ થયા છીએ, અને ખરેખર તેમાંના કેટલાએક તો ઉત્તમ પ્રકારની આગાહી કરાવે છે કે તેઓ સારા અભ્યાસી, સારા શહેરી, અને ઉત્તમ માણસ થશે. તેમને ઉત્તેજન આપવા માટે આ ઈનામોની યોજના વધાવી લઈ અમે આજે ઈનામ વહેંચવાને ખુશ થયા છીએ.' આ શું બધું તેમના અંતરમાંથી નીકળે છે ! તેઓ શું