પૃષ્ઠ:Divasvapna.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૬]


મેં મારી રીતે સાહેબની મનમાં કદર કરતાં કરતાં કહ્યું: “વારુ સાહેબ, ત્યારે હું રજા લઈશ.”

*       *       *

શાળામાં આજે પૂર જોસથી તૈયારી થઈ રહી હતી. “સાહેબ પધારે છે ! મોટા સાહેબ પધારે છે !”

મોટા અમલદારો, નાના અમલદારો, ગામના માણસો અને વિદ્યાર્થીઓ હાજર હતા. અમે શિક્ષકો ખડે પગે અને ઢીલેવીલે મોઢે - પણ અક્કડ રહેવાની મહેનત કરતા - વ્યવસ્થા જાળવતા હતા. શાળાના તોફાની છોકરાઓને એક બાજુ બોલાવી હેડમાસ્તરે ધમકાવીને કહ્યું: “જોજો, હરામખોરો ! કંઈ તોફાન કે ગડબડ કરી છે તો કાલે વાંસો હળવો થઈ જશે.”

સાહેબ મહેરબાન પધાર્યા, તાળીએાનો ગડગડાટ ને સંગીત. શાળાનો રિપોર્ટ હેડમાસ્તરે છટાથી અને ધ્રૂજતા નથી તેની ખાતરી આપવા માટે ખૂબ મોટા અવાજથી અને વારે વારે અક્કડ થઈ વાંચી સંભળાવ્યો. રીપોર્ટનો અંત આવ્યો ત્યાં સુધીમાં તેમનું અંદરનું પહેરણ ભીનું જેવું થઈ ગયું હતું અને તેમનો અવાજ ઘોઘરા જેવો બન્યો હતો.

રિપોર્ટ વાંચ્યા બાદ રેસિટેશન્સ એટલે કવિતાઓ અને સંવાદોની શરુઆત થઈ. જેમ યંત્રમાંથી કોઈ બોલતું હોય તેમ બિચારા છોકરાઓ બોલતા હતા, તેમના પર કશો જ હાવ કે ભાવ સાચે જ ન હતો. છતાં તેઓ જોરથી બોલતા હતા, હાથપગ હલાવીને બોલતા હતા. કમબખ્તીની વાત એ હતી કે જે કવિતાઓ પસંદ કરી હતી તે સુંદર હતી, રસભરી હતી, સારા કવિની હતી અને છતાં છોકરાઓને ભણાવવા બેસીએ તો તે અઘરી પડે તેવી હતી. બિચારા વગર સમજ્યે તે બોલતા હતા, તેનો અભિનય કરતા હતા ને તેમાં રસ બતાવતા હતા. એમ જ સંવાદોમાં પણ હતું.