પૃષ્ઠ:Divasvapna.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૮]

મરડીને વાંકી કરી હતી; ફેંટો જરા વાંકો બાંધી દીધો હતો; હાથમાં છરી હતી. ઢોલકવાળા પાસે ઢોલકું હતું. બીજાઓ પાસે કશું હતું નહિ.

રંગભૂમિ તો સાદી જ હતી. પડદા પાછળ એક પાટિયામાં ક્રમ લખેલો હતો. ઓરડાનો ભાગ વાળેલો હતો ને તેના પર એક નાની જાજમ એક છોકરાને ત્યાંથી મગાવીને પાથરી હતી. બાકી શાળામાં એવું કશું ન હતું કે રંગભૂમિની શોભા માટે મૂકી શકાય. છતાં પીપર અને લીમડાની ડાળખીઓ કાપી ભીંતે ચોડેલી હતી. ચાકથી ભોંય પર છોકરાઓએ ગમ્યાં તેવાં ચિત્રો કાઢયાં હતાં.

ઉંદરનું નાટક શરૂ થયું ને પુરું થયું. મેાટાઓ અને નાનાઓ શાંતિથી જોઈ રહ્યા. નાનાઓ-વિદ્યાર્થીઓ રસથી જોતા હતા; મોટાઓ અજાયબીથી જોતા હતા: “આ શું ! આ કઈ નવીનતા ! આ કેવા પ્રકારનું નાટક !”

મારે કહેવું જોઈએ કે છોકરાઓએ સુંદર નાટક ભજવ્યું. તેએાની ભૂલો પડતી ન હતી. પ્રોમ્પ્ટર રાખ્યો જ ન હતો. ભૂલ પડવા જેવું થતું હતું ત્યાં હું તરત જ તે ઉધાડી રીતે સુધારી દેતો હતો.

બીજું નાટક 'દીકરીને ઘેર જાવા દે'નું અને ત્રીજું 'સસેાભાઈ સાંકળિયા'નું થયું.

એક જ પડદો. સીનસીનરીમાં કંઈ નહિ. ક્યાંક માથે ઓઢવાનું તો કયાંક લાકડી રાખવાની. બાકી બધો આધાર છોકરાઓના અભિનય ઉપર હતો.

નાટક છેલ્લી પ્રાર્થના સાથે પૂરાં થયાં ને હું પડદા આગળ આવ્યો. મે નાટકના મૅનેજર પેઠે ભાષણ કર્યું :–