પૃષ્ઠ:Divasvapna.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૫]


પણ હજી મેં ભૂગોળ, પદાર્થપાઠ અને વ્યાકરણનો સ્પર્શ સરખો યે કર્યો ન હતો. મને થયું વ્યાકરણને ઉપાડું. વ્યાકરણ અઘરો વિષય ગણાય છે, અને તેમાં વિદ્યાર્થીએાને સીધી રીતે રસ હોવાનું કારણ નથી. ભાષાના પદચ્છેદમાં ચોથા ધોરણના વિદ્યાર્થીને શા માટે રસ હોય ! એમાં કયું રસિક તત્ત્વ છે ! કઈ વસ્તુ આનંદ વગર તે વખતના જીવનને ઉપયોગી એવું જ્ઞાન આપે છે! વિદ્યાર્થીને કઈ જગાએ એમ થાય એમ છે કે વાહ, આમાં તો ગંમત છે ! – આ તો ભારે ઉપયેાગી ! તેથી મેં તો મારો વિચાર બાંધેલો જ છે કે વ્યાકરણનું શિક્ષણ ભાષાશિક્ષણમાં રસ લેતા થઈ ગયેલા મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે જ હોય. પ્રાથમિક શાળામાંથી એ વિષય જ નીકળી જવા જોઈએ. જે વિષય શીખવવામાં અઘરો પડે અને જે શીખનારને કંટાળો આપે તે શા માટે શીખવવો!

જ્ઞાનના બીજા વિષયો ક્યાં થોડા છે !

પણ મારે અખતરો તો કરવો જ હતો. કંઈ નહિ તો મારી શરત પ્રમાણે પરીક્ષા વખતે મારે તે વિષય પણ સારી રીતે શીખવી બતાવેલો દેખાડવો હતો. તાત્ત્વિક વિચારોને કારણે વ્યવહારને માટે મારા આ અખતરામાંથી તે છોડી દેવાનો ન હતો. મારે તો ચાલતા ચોથા ધોરણમાં તે સારી રીતે કેમ શીખવાય તે સમજાવવું હતું.

વ્યાકરણનો અભ્યાસક્રમ વાંચી ગયો. મને થયું કે આ ક્રમે તો આપણે ન ચાલીએ. નામની વ્યાખ્યા, ક્રિયાપદની વ્યાખ્યા ઝટ ગોખાવાશે પણ બરાબર સમજાવાશે નહિ. મને નાનપણમાં જ્યારે સમજાવવામાં આવતું હતું ત્યારે હું પણ સમજી શકતો ન હતો; માત્ર યાદ જ રાખતો હતો. યાદ રહે તેટલા ઉપરથી શિક્ષકો ભૂલ ખાઈ બેસે છે કે તે સમજવામાં આવેલું છે. મેં ચાલતી રીતને તો નમસ્કાર જ કર્યા. હવે નવી કઈ રીતે વ્યાકરણ શીખવવું? મેં વિચાર કર્યો, યોજના ઘડી અને તેને અમલમાં મૂકી. ખરેખર