પૃષ્ઠ:Divasvapna.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૮]


શબ્દ લઈ તેની નારી શોધવા તે જાય અને જ્યાંથી મળે ત્યાંથી શોધી લાવી નરનારી સાથે મૂકે. એમ દરેક કૂંડાળા પાસે નરનારીનાં જોડકાં થાય. બધા શબ્દો ખલાસ થાય એટલે રમત ફરી વાર ચાલે. બે છોકરાઓને જ રમવું હોય તો એક એક પેટી રાખી નરની નારીજાતિ ને નારીની નરજાતિ શોધે.”

ઉપરી સાહેબઃ “સમજાયું. આ તો ગંમત આવે તેવું છે. પણ નાન્યતરનું શું કર્યું ?”

“હા. નરનારીનો સારો પરિચય થયો એટલે એક વાર પાટિયા પર “નાન્યતર જાતિના શબ્દો” એમ કરીને યાદી મૂકી: હોલ્ડર, ટેબલ, પાટિયું, ડસ્ટર વગેરે વગેરે. છોકરાઓ વાંચી ગયા. પણ મનમાં વિચાર કરતા જોવામાં આવ્યા કે આની જાતિ કઈ હશે ? તેઓના પરિચયમાંથી ઉત્પન્ન થયેલી સમજણને લીધે આનો નિર્ણય થઈ શકતો ન હતો. મેં કહ્યું: “આ શબ્દો નાન્યતર જાતિના છે.” અને પાટિયા પર “નાન્યતર જાતિ” એમ લખ્યું.

એક વિદ્યાર્થી: “પણ નાન્યતર એટલે?”

મે કહ્યું: “નર નહિ, નારી નહિ તે નાન્યતર.”

છોકરાઓનાં મોં પર સમજણ દેખાઈ. મેં તરત જ કહ્યું: “લખો શબ્દો. ત્રણ ખાનાં પાડો: એક નરનું, એક નારીનું, અને એક નાન્યતરનું.”

સાઠ શબ્દો લખાવ્યા ને મને પણ નવાઈ લાગી કે લગભગ મોટા ભાગની કોઈ કોઈ જ ભૂલ હતી. મને થયું કે વ્યાખ્યામાં પ્રથમ ન પડતાં પરિચય આપવો એ સુંદર રીત છે. તેમને રમતોથી પરિચય કરાવી શકાય છે. ધીમે ધીમે તેમને તેની શાસ્ત્રીય ભાષા આપવી.

ઉપરી સાહેબ: “પણ તમે કેવો, કેવી, કેવું એમ બતાવ્યું હોત તો ?”