પૃષ્ઠ:Divasvapna.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૨ ]


કંઈ નામ હોય તે લઈ આવો, ઉપાડી લાવો. જઈને પૂછજો, 'તારું નામ શું ?' નામ હોય તો લાવજો.”

છોકરાઓ સમજ્યા. તેએા ઉપડ્યા. પાટિયાને કહેઃ “તારું નામ ?' પોતે જ કહેઃ ' પાટિયું.' 'ચાલો ત્યારે.' પાટિયું આવ્યું. ટેબલ આવ્યું. પથરો, લાકડી, ધૂળ, કાગળ, ચો૫ડી, પાટી, પેન, ડાબલી, જે ને તે થવા માંડ્યું ભેગું એક જણ તો બાજુના વર્ગના છોકરાને ઉપાડીને લાવ્યો ! મેં કહ્યું: “આ શું ? લાવનાર કહેઃ “એને નામ છે.” કોઈ કહેઃ “સૂરજ શી રીતે લાવવો ?” કોઈ કહેઃ “લીમડો નથી લવાતો.” હું સમજ્યો કે આ લોકો મનમાં મનમાં નામનો અર્થ સમજ્યા લાગે છે.

આ રમત ચાલતી હતી તે દરમિયાન હું નામેાની કાપલીએાની પેટી લાવ્યો. ઉપર 'નામો' લખ્યું હતું. અંદર પાંચસો નામો હતાં. બધાં નામો જ નામો. છોકરાઓ હવે ટેવાઈ ગયા હતા. પેટી કાઢીને મૂઠી મૂઠી નામો ઉપાડી ગયા ને વાંચી નાખ્યાં. મેં એમાં બધી જાતનાં નામો નાખ્યાં હતાં. કોઈ કહેતું: “આ રતાશ નામ શી રીતે ?” મેં પૂછયું: “ત્યારે આ લાલાશ દેખાય છે એને કયું નામ આપીશું ?” છોકરો હસીને પાછો જતો.

પછી મેં નામો તથા ક્રિયાપદોની પેટીઓ ભેગી કરી નાખી, અને નામ તથા ક્રિયાપદને છૂટા પાડવાનો ધંધો–રમત બતાવી. તે સુંદર ચાલી. તે વખતે નામનો અને ક્રિયાપદનો મનમાં બેઠેલો ખ્યાલ તેઓ સારી રીતે બતાવી શકતા હતા.

પછી મેં તેમને એક બીજી રમત બતાવી. ક્રિયાપદને લાયકનું નામ એળખવાની અને નામને લાયક ક્રિયાપદ એાળખવાની. 'ઘેાડો' શબ્દ લઈ 'દોડે છે.' કે 'દોડ્યો' શોધાય, 'ખાય છે' શબ્દ લઈને 'રામજી' શોધાય, વગેરે સમજાવ્યું; અને શોધેલા શબ્દોને ગોઠવીને મૂકવાનું બતાવ્યું. આ કામ પણ ચાલ્યું.