પૃષ્ઠ:Divasvapna.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૩ ]


પછી મેં શું કર્યું ? મેં વાક્યો પાટિયા પર લખ્યાં ને છોકરાઓને કહ્યું: “આમાંથી નામો અને ક્રિયાપદો પાટીમાં લખો. આમાંથી નામો બોલો. આમાંથી નામો બતાવો. આમાંથી નામો ભૂંસો. ક્રિયાપદો ભૂંસો. આને શું કહેવાય ?” વગેરે.

અહીં છોકરાઓને નામ અને ક્રિયાપદનું પદચ્છેદ આવડ્યું.

ઉપરી સાહેબ: “સાચી વાત છે, ખરેખર ! એક ક્ષણ પણ છોકરાઓને મહેનત નહિ પડી હોય; પણ જરા સાધનનો ખર્ચ પડે એવું છે, અને તમારા જેવી જરા હૈયાઉકલત જોઈએ.”

મેં કહ્યું: “સાહેબ, છોકરાઓને ગોખણપટ્ટીમાંથી બચાવવા માટે આટલો ખર્ચ કરવો પડે એમાં કાંઈ નથી. આ બધું તો મેં મારા ઘરને ખર્ચે કર્યું છે. જૂનાં પૂઠાં શોધી પેટીઓ કરી ને ઘરમાં આડાઅવળા પડેલા કાગળો ઉપાડી તેની કાપલીઓ કરી.”

ઉપરી સાહેબ: “આ ખર્ચ તમને મળે તેવી ગોઠવણ કરીશ.”

મે કહ્યું: “આ ખર્ચ મળે તેવી ગોઠવણ કરતાં આ પદ્ધતિને આપ સ્વીકારો તો મારો ખર્ચ લેખે લાગે.”

ઉપરી સાહેબઃ “વારુ, જોઈશું; પણ પછી શું કર્યું ?”

મેં કહ્યું “સાહેબ, પછી વિશેષણનું કામ શરૂ કર્યું. પણ આપને કંટાળો ન આવતો હોય તો જ આગળ વાત કરું. એક તો વ્યાકરણનો વિષય ને એમાં લાંબી લાંબી માંડીને વાત કરવાની મારી ટેવ.”

ઉપરી સાહેબ: “પણ પ્રયોગની વિગતો જણાવવી જોઈએ ને ! વિગત ન વિચારીએ તો તો પૂરેપૂરો ખ્યાલ જ કેમ આવે ! વારુ, થોભો. આ ચા આવી છે તે પીધા પછી આગળ ચાલીએ.”

સાહેબ એમ તો શોખીન હતા. ચા ઊંચી જાતની પીતા હતા. મારો અંગત શોખ પણ જાણતા હતા. પૂરી વીસ મિનિટ ચા