પૃષ્ઠ:Divasvapna.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૪ ]

પીવામાં ગાળી. પછી તો અમે જરા લહેરમાં આવ્યા ને વાત આગળ ચાલી.[૧]

મેં કહ્યું: “છોકરાઓની પાસે મેં મારા રિવાજ પ્રમાણે વિશેષણોનાં પૂઠાં મૂક્યાં. પૂઠાં ઉપર વિશેષણો વિશેષણો. હવે તેમનો રસ વધ્યો હતો. તેઓ વિશેષણો વાંચતા હતા. એકે પૂછ્યું: 'ભાઈ, વિશેષણ વળી શું ?” મેં કહ્યું: 'જુઓ ને એ બધાં વિશેષણો છે ! એ વિશેષણો.' તેઓ મનમાં મનમાં તેનો અર્થ સમજતા જતા હતા. પછી પાછી રમત શરૂ થઈ વિશેષણ, નામ અને ક્રિયાપદોનાં પૂઠાં વાંચવાની ને જુદાં પાડવાની.

પછી મેં એક નવી રમત આપી: “ જુઓ છોકરાઓ, હું મગાવું તે લાવો.”

“પેન્સિલ લાવો.”

છોકરો એક પેન્સિલ લાવ્યો.

“રાતી પેન્સિલ લાવો.”

રાતી પેન્સિલ લાવ્યો.

“પીળી પેન્સિલ લાવો.”

પીળી લાવ્યો.

“પેન્સિલ મૂકી આવો.”

છોકરો કહેઃ “કઈ?”

મેં કહ્યુંઃ “રાતી.”

પછી કહ્યું: “પીળી, ભૂરી, ગુલાબી, લાંબી, ટૂંકી” વગેરે.

વળી પાઠ આપ્યો. “એકાદ પેન્સિલ ઉપાડો.”


  1. વાંચનાર થાકે તો અહીં ચા પીને આગળ વાંચવાનું સૂચન નથી.'