પૃષ્ઠ:Divasvapna.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૬ ]


ઉપરી સાહેબ કહે: “તમે તો ગમત કરી છે ! નામ, વિશેષણ ને ક્રિયાપદને સુંદર રીતે ઓળખાવ્યાં. વારુ, વ્યાખ્યા આપશો કે નહિ?”

મેં કહ્યું: “વ્યાખ્યા તો અપાઈ ગઈ છે ને ! બાકી વ્યાકરણની અંદર આપેલી વ્યાખ્યા હું નહિ શીખવું, અને આપે પરીક્ષામાં તેવું પૂછવું ન જોઈએ. આપ પદચ્છેદ પૂછજો.”

ઉપરી સાહેબ કહે: “મારે આ વિષયની પરીક્ષા નથી લેવી. મારે તો આ રીત આખી શાળામાં દાખલ કરવી છે. છોકરાએ। વ્યાકરણ ગોખી ગોખીને મરી ગયા.”

મેં કહ્યું “સાહેબ, વ્યાકરણ શીખતાં તો મારો વાંસો ફાટી ગયો છે. અમારા માસ્તર સાહેબ અમને ન આવડતું ત્યારે ફટકારતા.”

ઉપરી સાહેબ કહે: “ તે હજી કયાં મારતા નથી?”

મેં કહ્યું: “તો પછી આપ તે બંધ ન કરો?”

ઉપરી સાહેબ: “ એ તો જાણે મારા હાથમાં છેક ન ગણાય; ને ગણાય પણ ખરું. વળી હજી મારો મત...પણ આપણે સારી રીતે ભણાવીએ તો માર મારવાનું એની મેળે જ અટકે. જુઓ ને, તમારે વ્યાકરણ શીખવતાં કોઈને મારવું પડયું ? પણ કહો જોઈએ, સર્વનામનું શું કર્યું ?”

મે કહ્યું: “એમાં વળી બીજું શું હોય ! એક નાની સરખી રમત. મેં સમજાવ્યું: 'હું એટલે કોણ ?' તેઓ કહેઃ 'લક્ષ્મીરામભાઈ.' 'ત્યારે તમે એટલે કેાણ?' શામજી કહેઃ 'એટલે હું શામજી.' મેં કહ્યું: 'પેલો કોણ છે ?”

આ સવાલો પૂછી મે પાટિયા પર લખ્યું –

હું–લક્ષ્મીરામ,

તું–ભીમજી.

તે –ધનજી.