પૃષ્ઠ:Divasvapna.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૩)

આપીને જ નથી બેસી રહેતા. બાલશિક્ષણમાં આજે પ્રવર્તી રહેલી એ કરુણતાનો ઉકેલ એટલો જ સરસ અને મનોહર રીતે તેમણે રજૂ કર્યો છે. એ ઉકેલ લાવવા માટે શિક્ષકનામાં જે 'હૈયાઉકલત'ની જરૂર છે તે હૈયાઉકલત કેવી હોય તેનો આબાદ ચિતાર આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. પ્રાથમિક શાળામાં જે ગંદકી, જે ઘોંઘાટ અને જે અવ્યવસ્થા આપણને નજરે આવે છે તે બધું હૈયાઉકલતવાળા શિક્ષકની જાદુઈ લાકડી અડતાં આપોઆપ જ જાણે કે ઊડી જાય છે ને તેને સ્થાને સ્વચ્છતા, વ્યવસ્થા અને શાંતિ ગિજુભાઈના વર્ગમાં આવીને ગોઠવાઈ જતાં આપણને દેખાય છે. શિક્ષકને પોતાના કામમાં શી શી અડચણો આવવાની છે તેનો આબેહૂબ ખયાલ પુસ્તક લખતી વખતે લેખકની નજર આગળ રહેલો દેખાય છે. આજનો સમાજ કેવળ રૂઢિચુસ્ત છે. નાના એવા ફેરફારોને પણ ભયની નજરથી જુએ છે. પોતાનાં બાળકોની કેળવણી માટે માબાપો અક્ષમ્ય બેદરકારી સેવે છે. શિક્ષકોને હેડમાસ્તર, ઉપરી અને ઉપરીના યે ઉપરીને ડર ઊંઘમાં પણ રહ્યા કરે છે; અભ્યાસક્રમ અને પરીક્ષાની બેડીઓમાંથી શિક્ષક કે બાળકો જરા પણ ચસકી શકતાં નથી. આ બધી વસ્તુઓ લેખક બરાબર સમજે છે, અને તેથી જ ધીરજ અને શાંતિપૂર્વકના પોતાના અવિરત કાર્યબળથી એ મુશ્કેલીએાને ઓળંગી જવાનું માર્ગદર્શન સચોટ રીતે આપણને તે કરાવી શક્યા છે.

આખા પુસ્તકમાં એક ખૂણામાં ભરાઈ રહેલા એક અત્યંત મહત્ત્વનો વિચાર આ પુસ્તક વાંચનારાઓ પાસે રજૂ કરવો એ મને મિત્રધર્મ દેખાય છે. આપણી ગમે તેટલી સુંદર આશાઓ હોવા છતાં પ્રાથમિક શાળાના ખુદ શિક્ષકમાં જ્યાં સુધી સ્વભાવફેર કરી નાખવામાં આવે નહિ ત્યાં સુધી આપણા અખતરાઓ ને પ્રયેાગો કરવાનું સાચું સામર્થ્ય સાંપડવાનું નથી. ગિજુભાઈના હૃદયને આ વાત બરાબર ડંખતી દેખાય છે. એટલે જ શિક્ષકનામાં તેના