પૃષ્ઠ:Divasvapna.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૧]


ત્યાર પછી અમે શબ્દોની રમત ચલાવી. એક શબ્દ બોલે તેના છેડાના અક્ષર પરથી બીજો શબ્દ બોલાય; તેના છેડા ઉપરથી ત્રીજો શબ્દ બોલાય. આ રમત આમ તો સહેલી હતી પણ જ્યારે એમ જણાયું કે કોઈ એક વિદ્યાર્થીએ ગામનાં, કોઈએ નદીઓનાં, કોઈએ ડુંગરનાં, કોઈએ મુસલમાનનાં, કોઈએ હિણ્દુનાં, કોઈએ લોકવરણનાં, કોઈએ બ્રાહ્મણનાં તો કોઈએ વાણિયાનાં એવાં જ નામો બોલવાનું પોતપોતાને માટે નક્કી કરી રાખ્યું હતું ત્યારે સૌને તે રમત વધારે ગમી.

મેં મારા શિક્ષકભાઈઓને કહ્યુંઃ “આ રમત માટે ઘણા ઘણા શબ્દો મળે તે માટે હું છોકરાઓને કહું છું કે તમે નકશા અને શબ્દકોશ વગેરે ચોપડીઓ ઉપર નજર ફેરવતા રહેશો તો ઘણા શબ્દો હાથમાં જ રમ્યા કરશે. ઘણી વાર છોકરાઓ રમત રમવાને બદલે જાતજાતના શબ્દો - જુદા જુદા વર્ગના શબ્દો એકઠા કરવામાં ઘણો વખત કાઢે છે. બધા એકબીજાને શબ્દો સંભારી આપે છે ને કોઈ કોઈ તો શબ્દો લખી લે છે.”

ઉપરી સાહેબ કહે: “આ રમતની પાછળ ઘણું તત્ત્વ દેખાય છે. આવી જાતની બધી રમતો બુદ્ધિશક્તિ અને સામાન્ય જ્ઞાન વધે તે માટે દરેક વર્ગમાં અવશ્ય દાખલ કરવી જોઈએ.” મારી સામે ખાસ નજર કરી તેમણે કહ્યું: “તમે પણ ઠીક નવું નવું ઉભું કરો છો !”

કોઈ શિક્ષકે બીજાને ઉપરી સાહેબ ન સાંભળે તેમ કહ્યું: “તે એવા ધંધા કરવા તો અહીં એ આવ્યા છે. એમને ક્યાં ભણાવવું છે ! આ તો મજા છે મજા ! આપણું ભણાવીને માથું પાકે છે ને આમાં તો ગંમત સિવાય બીજું ક્યાં છે!”

બીજો કહે: “હવે જૂના ભણતરને બદલે આ નવા ભણતરનો જમાનો આવ્યો. હવે એ દિવસે તે ગયા - કડ કડ બોલી જવું, ને