પૃષ્ઠ:Divasvapna.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૨]

ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. હવે તો ભણવા માટે રમતગમત રહી. બાકી આગળ ઉપર તે થાય તે ખરું. હવે કોઈનું મન જ ભણવામાં નથી. રમત રમાડીએ તો સૌને સારા લાગીએ.”

મારું લક્ષ મારા વિદ્યાર્થીઓનું કામ બતાવવામાં હતું એટલે હું ઉપરની વાતચીત સાંભળી શક્યો નહિ પણ પાછળથી કોઈએ મને તે કહેલી.

મેં સીટી મારી એટલે બધા છોકરાઓ હાથમાં સાવરણી લઈ હારબંધ ઊભા રહ્યા. તેમને મેં સાવરણી સાથે કસરત કરાવી. પછી મેં તેમને ચારેકોર વાળી નાખવાનો હુકમ કર્યો. તેએા આખી શાળા ફરતા ફરી વળ્યા, જ્યાં તેમણે કચરો દીઠો ત્યાં તેમણે સાવરણી ફેરવી; અને જે કચરો એકઠો થયો તે એક ટોપલામાં ભરી અમારી સામે હાજર કર્યો.

ઉપરી સાહેબ તથા શિક્ષકભાઈઓ આ ધાંધલ જોઈ રહ્યા હતા. આ અમારા વર્ગના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. ઉપરી સાહેબે પૂછ્યું: “સાવરણી સાથે ડ્રિલ શા માટે કરવી એ નથી સમજાતું.”

મેં કહ્યું: “હમણાં તો દેશની ગંદકી એ જ મોટી આપત્તિ છે. જ્યાં સુધી એનું સામ્રાજ્ય છે ત્યાં સુધી આપણી દુર્દશા જ હું દેખું છું. એની સામે જ મેં તો પહેલી લડાઈ લીધી છે. ગંદકી દૂર કરવાની રીતસરની લડત થવી જોઈશે. સાવરણીથી ડ્રિલ એ તો માત્ર સૂચક છે. આ છોકરાઓનું પહેલું લેસન આ સાવરણી ડ્રિલ છે. એારડો પૂરેપૂરો સાફ ન હોય ત્યાં સુધી અમે બીજું કશું કામ કરતા જ નથી. હવે તો છોકરાઓને પણ ગંદકી નથી ગમતી.”

વાત ચાલતી હતી એટલામાં વિદ્યાર્થીઓ હાથ, પગ, મોઢું ધોઈને આવ્યા ને મેં બીજી સીટી મારી.