પૃષ્ઠ:Divasvapna.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૩]


ઉપરી સાહેબ: “આ તમારો અખતરો તો વિચિત્ર છે. ચોથા ધોરણનું ભણતર ભણાવવાનો અખતરો કરતાં કરતાં આ આવું કેટલુંક કર્યું છે?”

મેં કહ્યું: “મારા અખતરામાં આ વસ્તુને અવકાશ છે. ચોથા ધોરણનું ભણતર ભણાવું તે પહેલાં મારે તેમને પહેલા ધોરણનું ભણતર ભણાવવું જોઈએ ને !”

છોકરાઓ દોડીને બહાર ગયા હતા ને શાળાની આજુબાજુ ઝાડ ઉપર ચડી ગયા હતા. મેં બીજી સીટી મારી અને તેઓ કૂદી કૂદીને નીચે પડ્યા. ત્રીજી સીટીએ તેઓ પુનઃ ઉપર ચડ્યા ને ચેાથીએ નીચે પડ્યા.

હેડમાસ્તર: “ માળું આ ભણતર ભારે ! આ તો વગર ભણાવ્યે આવડે ! આમાં સાહેબ, ભણતર કેવું !”

મેં હેડમાસ્તરને કહ્યું: “હવે આવું ભણાવ્યા વિના નથી આવડતું. આપણે આવું ભણતર ભણવા પણ ક્યાં દઈએ છીએ ! ને ભણવા દેવું પણ ક્યાં છે !”

હેડમાસ્તર: “ના, એ વાત બરાબર નથી.”

મે કહ્યું: “ત્યારે આ આપણી શાળાના છોકરાઓ ઊભા. પૂછો જોઈએ, કેટલાક આ પ્રમાણે ચડીપડી શકે છે?"

તરત જ ઉપરી સાહેબે બધા છોકરાઓને ચડવાનો હુકમ આપ્યો; પણ બેત્રણ જણ માંડ માંડ ચડ્યા.

મે કહ્યું: “સાહેબ, આ જાતની મેં તેમને કેટલીક તાલીમ આપી છે. આ બધી બાબતો મારા શિક્ષણ અને અખતરાના વિષયો છે.” પછી જરા હસીને મેં કહ્યું: “સાહેબ, પરીક્ષાપત્રકમાં એ બધાનાં નામો છે. એના ગુણ મૂકવા જોઈશે.”

ઉપરી સાહેબે વિનોદમાં જવાબ વાળ્યો: “અરે, તમે પણ ગુણ માગવાના કે?”