પૃષ્ઠ:Divasvapna.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૪]


ત્રીજી સીટી મારી એટલે શાળાના કબાટમાંથી છોકરાઓ ભમરડા અને દોરીઓ લઈ આવ્યા ને ભમરડે રમવા લાગ્યા. શેરીના છોકરાઓની પેઠે નહિ, ૫રંતુ ઘોંધાટ અને બાઝાબાઝી કર્યા વિના તેઓ રમતા હતા. તેઓ એકાગ્ર હતા ને રમવામાં કંઈ લુચ્ચાઈ કરતા ન હતા. રમવાને માટે ચોક્કસ સ્થળ હતું ને સૌનો એક મુખી હતો.

અમે સૌ નાનપણમાં ભમરડાથી રમેલા એટલે સૌને રમતની મજા પડી.

ઉપરી સાહેબ: “આ છોકરાઓને ભમરડે રમતાં ક્યારે શીખવ્યું ? આ લોકો બરાબર વ્યવસ્થાથી અને નિયમનથી રમે છે.”

મે કહ્યું: “સાહેબ, અમારી શીખવવાની જગા નદીકાંઠે છે. અમે ફરવા જઈએ ત્યાં આવી કેટલી યે બાબતો કરીએ છીએ; અને રમત રમતમાં તો કેટલું યે આવડી જાય છે!”

ઉપરી સાહેબે અંગ્રેજીમાં કહ્યું: “તમે સાચું કહો છો. હમણાં જ મેં વાંચ્યું છે કે બાળકો રમત દ્વારા બધું ભણે છે.” હેડમાસ્તર તરફ જોઈને કહેઃ “હવે નિશાળમાં આવું બધું ક્યારે દાખલ કરશો ?”

હેડમાસ્તર કહે: “પણ સાહેબ, આવું બધું કરવા જઈએ ત્યારે અભ્યાસક્રમ પૂરો શી રીતે કરવો ! આ ભાઈને તો માથે શી પડી છે ! એક વરસ જેવું ભણાવાશે એવું ભણાવશે, ને કહેશે એ તો અખતરો હતો. થયું તેટલું કર્યું. બાકીનામાં ન પહોંચાયું, ન બન્યું. છોકરાઓથી ન થઈ શક્યું.” અને આપ પણ કહેશો કે અખતરામાં તો જે નીકળે તે માન્ય હોય. અમે તો આ અભ્યાસક્રમની સાંકળથી બંધાયેલા છીએ. આપ સાહેબ જ ઉપરથી લખી મોકલો છો કે 'કેમ કામ પૂરું નથી થયું ? કેમ પરિણામ મોળાં છે ? કેમ અભ્યાસક્રમ પૂરો ન કર્યો?'"