પૃષ્ઠ:Divasvapna.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૫]


ઉપરી સાહેબ જરા હસ્યા. મનમાં જરા ખીજાયા હતા પણ તે તેમણે દબાવ્યું હતું.

એક સીટી મારી ને છોકરાઓએ પોત પોતાનાં પહેરણો કાઢી નાખ્યાં. છોકરાની હાર ઊભી રહી. બધા ટટાર હતા. ઠીક ઠીક જામેલા હતા. સ્વચ્છ હતા. બ્રાહ્મણની જનેાઈઓ મેલી ન હતી. હાથ, મોં, વાળ બરાબર ચોખ્ખાં હતાં, નખમાં મેલ ન હતા. વાળ વધેલા ન હતા આંખોમાં ચીપડાં ન હતાં. ટોપીઓ ધોયેલી હતી.

ઉપરી સાહેબે જરા હસીને કહ્યું: “કેટલા દિવસથી તૈયારી કરી હતી ? આ સ્વચ્છતા વગેરેની તૈયારી કરાવતાં ખૂબ મહેનત કરવી પડી હશે !”

મેં કહ્યું: “સાહેબ, છ માસથી તૈયારી ચાલે છે. છ માસથી મહેનત કરું છું. આપ સૌ કયાં નથી જાણતા !”

એક વધારે સીટી મારી અને છોકરાઓ કપડાં પહેરી, રાજી થઈ, હારબંધ ઊભા રહી નમસ્કાર કરી ચાલ્યા ગયા.

હેડમાસ્તરે જરા મર્મમાં કહ્યું: “પરીક્ષા પૂરી ?”

મે કહ્યું: “હજી વાર છે. ઓરડામાં આપ સૌ પધારશો ?”

હેડમાસ્તર: “હા, હા, ઓરડાને તમે થોડા દિવસથી વાપરવા માગી લીધો છે, અને અમને કોઈને અંદર આવવા દેતા નથી. કંઈક ભેગું કરાવતા હતા, ખરું ?”

મે કહ્યું: “ચાલો તો.”

અમે સૌ ઓરડામાં આવ્યા.

ઉપરી સાહેબઃ “ઓહો ! આ તો નાનું એવું સંગ્રહસ્થાન છે!”

હેડમાસ્તર: “હું એમ જ ધારતો હતો. છોકરાઓ લાવવામૂકવાની દોડાદોડ કરી રહ્યા હતા.”