પૃષ્ઠ:Divasvapna.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૬]


મેં કહ્યું: “છોકરાઓએ ખૂબ ઉત્સાહથી આ કામ કર્યું છે. મેં કહ્યું હતું કે 'તમારે જેમ ગોઠવવું હોય તેમ ગોઠવજો. હું જરા પણ બતાવીશ નહિ.'”

ઉપરી સાહેબ: “આ તમામ રચના વિદ્યાર્થીઓની છે ?”

મેં કહ્યું: “હા છે.”

ઉપરી સાહેબ: “પણ એ શી રીતે બને ! It is so very tastefully arranged !” (બધું બહુ રસપૂર્વક ગોઠવેલું છે.)

હું મૂંગો રહ્યો. મારા કામનું પરિણામ હવે તો સ્પષ્ટ રીતે બોલવાનું હતું.

ઉપરી સાહેબ: “આ બધું ભેગું કયાંથી કર્યું ? કુદરતના પાઠો આપવા માટે આ બધું બહુ કામનું છે.”

મેં કહ્યું: “સાહેબ, કુદરતમાંથી જ. તેની પાસેથી પાઠ લેતાં લેતાં આ આણ્યું છે.”

હેડમાસ્તરે ઉમેર્યું : “છોકરાઓને ફરવા લઈ જાય છે ત્યાંથી હશે, સાહેબ !”

ઉપરી સાહેબ: “આ તો ભારે કામ થઈ ગયું ! આ સંગ્રહ હવે વીખશો નહિ. આખી શાળા માટે તે આપણને કામ આવશે. આવો સંગ્રહ આપણે વધારીને મોટો કરવા શિક્ષકોને કહીશું.”

હેડમાસ્તર મનમાં ગણગણ્યા: “ને પછી શિક્ષકો ભણાવશે ક્યારે !”

સંગ્રહની એક યાદી છોકરાઓએ તૈયાર કરી હતી. ઉપરી સાહેબે તે વાંચી અને સાથે જ ખુશ થયા. તેઓ કહે: “આ છોકરાઓ ઈનામને લાયક છે.”

મેં કહ્યું: “સાહેબ, આ સંગ્રહ કરવાની મજા એ જ એમનું ઈનામ હતું. આ આખો સંગ્રહ જ એમનું ઈનામ છે.”