પૃષ્ઠ:Divasvapna.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૮]


એક શિક્ષકે બીજાના કાનમાં કહ્યું: “આ તો ખાસ સારા છોકરા પાસે ધીરેથી કઢાવીને મૂકયા હશે.”

મને શિક્ષકનો આ મેલો વિચાર ખટક્યો; પણ મેં તે ન ગણકાર્યો. મને એ એટલો બધો હલકો લાગ્યો કે ન પૂછો વાત.

ઉપરી સાહેબ: “તમે આ ફેરફાર શી રીતે કરો છો ?”

મેં કહ્યું: “જુદા જુદા ઉપાયો કરીને.”

ઉપરી સાહેબ: “તે ઉપાયોને શાળામાં દાખલ કરીએ તો ?”

મેં કહ્યું: “તે થઈ શકે; જરૂર થઈ શકે. હું આપને બતાવી શકીશ.”

હું એક બીજી ચોપડી લાવ્યો. તેમાં દરેક વિદ્યાર્થીએ આ છ માસમાં કુલ કેટલી ચોપડીઓ વાંચી હતી તેની યાદી હતી. એને દરેક પાને વિદ્યાર્થીનું નામ હતું. વિદ્યાર્થીએ પોતે ચોપડી વાંચીને ચોપડીનું નામ પોતાને હાથે તેમાં લખેલું હતું.

મેં તે ઉપરથી છેલ્લે પાને થોડાએક આંકડા કાઢ્યા હતા. કેટલા વિદ્યાર્થીએાએ કુલ કેટલી ચોપડીઓ વાંચી, સરેરાશ વિદ્યાર્થી દીઠ કેટલી વંચાઈ, સૌથી વધારે ચોપડીઓ કોણે અને સૌથી ઓછી કોણે વાંચી વગેરે. ચોપડીઓની દૃષ્ટિએ પણ નોંધ કરેલી: કઈ ચોપડીઓ ખૂબ વંચાઈ ને કઈ છેક જ ન વંચાઈ. વંચાએલી ચોપડીએાનું વર્ગીકરણ પાડી બતાવ્યું હતું કે વર્ગના છોકરાઓએ કયા વિષય પર વાંચવાનો ખાસ રસ લીધો હતો.

ઉપરી સાહેબે ચોપડી જોઈ તેઓ અજાયબી પામી બોલ્યા: “આટલી બધી ચોપડીઓ વંચાઈ ગઈ ! વળી તે આટલા આટલા વિષય પર! કયારે તે વાંચી ?”

“જી હા, તેમ બન્યું છે, અને તે મારી આંખો નીચે.”