પૃષ્ઠ:Diwalini Boni.djvu/5

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરે છે. એટલે એવો સમાગમ હોય તો ઠીક."

"એ બીચારીને નવરાશ ક્યાંથી મળે?"

દરમિયાન છોકરાં પાછાં આવ્યાં. શેઠાણિએ બન્નેનાં પાટલૂનોના પટા સરખા કરી આપ્યા; હાથ-પગ, મોં ધોઈને નવા ટુવાલ વતી લૂછી દીધાં. "બન્ને ભૂખ્યાં થયાં હશે. ત્યારનાં અહીં છે. તો અહીં નાસ્તો કરવા ન લવાય?" એમ કહીને બન્નેને હીંડોળે બેસાડી મીઠાઈ દીધી.

એ જ વખતે બહારથી શેઠ પેઢી પર આવ્યા; પૂછ્યું: "પન્નાલાલ ક્યાં છે? નીચે કોઈ બાઈ એને મળવા ઊભેલ છે. મને શી ખબર કે કોણ હશે? મેં તો કોઈ મદદ લેવા આવેલી ભિક્ષુક બાઈ સમજીને વગર પૂછ્યે જ કહ્યું કે, 'બાઈ, હું ભીખને ઉત્તેજન નથી આપતો. છતાં રાતે પૂજન ટાણે આવજો. અત્યારે નહિ'. ત્યાં તો એણે મારી સામે ઘૂમટો ખેંચી રાખીને શોફરને કહ્યું, તે 'આંહી શેઠની પેઢીમાં 'પ' ઉપર નામ છે.. તેનું મારે કામ છે'."

આટલું કહી શેઠ હસી પડ્યા. બીજા સહુ હસ્યા; બોલ્યા: "વહુથી વરનું નામ એવાય નહિ ને, સાહેબ! આપણા શાસ્તરના એ કાયદે છે ના!"

શેઠ ફરીવાર હસ્યા; પૂછ્યું: "કેમ, બધી તૈયારી છે ના? બધા ચોપડા 'કમ્પલીટ' છે ના? વરસ બાકીનું તલ જેટલું પણ કામ રહી ન જવું જોઈએ."

"અમે બધા તો રાત સુધીમાં પતાવી લેશું; પણ... એક પન્નાલાલની ખતવણી બાકી રહેશે."

"હજુ બાકી? બોલાવો પન્નાઅલાલને: ક્યાં છે?"

"એના છોકરાંને ઝાડો-પેશાબ કરાવવા ઉપર લઈ ગયેલ છે."

"છોકરાંને આજે આંહીં? કામને વખતે? કાંઈ નહિ - હું જ ઉપર જાઉં છું."

આ દરમિયાન પન્નાલાલ પોતાની નીચે ઊભેલી પત્નીને શેઠાણી પાસે લાવ્યો હતો. લાજ કાઢીને ફૂલકોર બેઠી હતી. છોકરાંઓએ "હાલો દીવા જોવા! ભાઈ, હાલોને!" એવી જીદ કરતાં કરતાં એક ફ્લાવર-પોટ તોડ્યું હતું; ને શેઠ ઉપર આવે છે તે જ ક્ષણે કબાટના મોટા કાચ ઉપર ચીરો પડ્યો. શેઠાણીએ એ કાચની અંદર પોતાના બહારથી ચાલ્યા આવતા