પૃષ્ઠ:Diwalini Boni.djvu/7

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પન્નાલાલ ચોપડો લખવા બેસી ગયો હતો. એણે છોકરાંને ફોસલાવ્યાં: "હેઈ! જુઓ આ દીવા! કેવા સરસ!" એમ કહી એણે પેઢીમાં લટકતાં ઝુમ્મર, હાંડી અને જાપાની કાગળનાં ફાનસો સામે આંગળી ચીંધી. તોયે છોકરાંએ ન માન્યું. "હેઈ! જુઓ! આ કેવા લીલા-પીળા રંગ!" એમ કહી એણે પેઢીની દીવાલ પર ઝુલાવેલી જરિયાની એટાની કમાનો બતાવી. તોપણ છોકરાંની અવળચંડાઈ ન શમી. "હેઈ! જુઓ 'ખાઉ-ખાઉ'!" એમ કહી એણે બારીમાંથી સામે દેખાતી મીઠાઈની શણગારેલી દુકાન દેખાડી.

"ભાઈ, 'ખાઉ-ખાઉ' લઈ આપો!" એમ કહેતી છોકરાંની રસવૃત્તિ આંખોની રસભોમ ઉપરથી જીભના સ્વાદ ઉપર પટકાઈ ગઈ.

" 'ખાઉ-ખાઉ' લેવાય નહિ; અહિં બેઠાં બેઠાં જોઈને 'ખાઉ-ખાઉ' રમાય." એ રીતે બાપે બાળકોની અભિરુચિને ઉન્નત બનાવવા યત્ન કર્યો.

પણ બચાં ન માન્યાં: બાપના ચોપડામાં ડાઘા પાડવા લાગ્યા. એણે છોકરાંને વળ દઈને છૂપી Cઊંટીઓ ખણી. રડતાં છોકરાં ફરીવાર સૂઈ ગયાં.

સવારના પોણાચાર વાગ્યે પન્નાલાલ ખતવણી પૂરી કરીને બેસતા વર્ષની શરૂ થતી ટ્રામગાડીમાં બન્ને છોકરાંને ખડકી પોતાની 'ચાલી' ભેગો થયો.

સવારે સહુ મુનીમો-મહેતાઓ સાકરના પડા અને શ્રીફળા શેઠને પગે મૂકીને 'સાલ મુબારક' કરતા ઓશિયાળે મુખે ઊભા રહ્યા. શેઠે સહુને 'સાલ મુબારક' કહ્યું. નાનકડો સુંદર દરબાર ભરાઈ ગયો. મોટા મુનીમ ટીપમાંથી 'નાનાલાલ', 'દલસુખ', 'ઓતો...' વગેરે નામ બોલતા ગયા તે પ્રમાણે નાનાલાલ, દલસુખ, ઓતો આવી-આવી તકદીર મુજબ પાંચ, સાત કે અગિયાર રૂપિયાની 'બોણી'ની અક્કેક ઢગલી શેઠના હાથમાંથી વળી-વળીને લેતા. થોડુંક પાછે પગલે ચાલ્યા પછી જ પીઠ ફેરવીને પતપોતાની જગ્યાએ બેસતા ગયા. દસ મિનિટમાં તો, 'તને શું મળ્યું?' "ઓધાને શું મળ્યું?" એવા પ્રશ્નો ગુંજી રહ્યા. દૂર-દૂરથી આંગળાંની ઈશારતો વડે ઉત્તરો અપાયા.