પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સવાર પડ્યું. ફૂલરાણી જાગી. જુએ ત્યાં તો ઘોર અંધારું ટાઢું બરફ જેવું, અને ચારેય બાજુ ‘ડ્રાઉં ડ્રાઉ!' લફ લફ કરતાં રાક્ષસ જેવાં પ્રાણી દોડાદોડ કરે છે, અને એની સામે મોટા મોટા ડોળા ફાડીને જોઈ રહ્યાં છે. છોકરી બિચારી બહુ જ હેબતાઈ ગઈ, ને રોવા લાગી. એને રડતી ભાળીને દેડકાને દયા આવી. તળાવની પાળ પાસે કમળનું ઝાડ હતું. એ કમળનાં પાંદડાં ઉપર લાવીને ફૂલરાણીને બેસાડી. ચારેય તરફ આસમાની સરોવર: રાતાં રાતાં કમળ ખીલેલાં હતાં અને લીલાં પાંદડાંનું આસન હતું. તોયે ફૂલરાણી રડતી રહે નહીં. એને રડતી સાંભળીને સરોવરનાં માછલાં ભેળાં થયાં, અને પૂછ્યું કે “શું કામ રડે છે, નાની બહેન!" ફૂલરાણી કહે કે “મને અહીંથી જવા દો". માછલાંએ ભેળાં થઈને એ પાંદડાંની ડાંડલી કાપી નાખી એટલે પાંદડું તો તરતું ચાલી નીકળ્યું. ફૂલરાણી પણ ઉપર જ બેઠેલી. ચાલતાં ચાલતાં તળાવની સામે પાળે પહોંચી. ત્યાં કેટલુંયે ઘાસ ઊગેલું. એને ઝાલીને ધીરે ધીરે ફૂલરાણી કાંઠે ઊતરી. કાંઠે ઊતરવા જાય છે ત્યાં એક નોળિયો દોડતો આવ્યો અને ફૂલરાણીને ઉપાડીને ઝાડની બખોલમાં લઈ ગયો. નોળિયો જઈને માને કહે, “મા! મા! જો તો કેવું મજાનું પ્રાણી લાવ્યો છું! મારે તો એની સાથે પરણવું છે.” મા કહે, “અરરર! એની સાથે પરણાય? એને તો બે જ પગ. એને પૂંછડીયે નહીં. એને શરીરે રૂવાં નહીં. છોડી દે, છોડી દે. એવી કદરૂપીને કોણ પરણે?” માએ કહ્યું એટલે એ બિચારો શું કરે? ફૂલરાણીને પાછો એ નીચે મૂકી આવ્યો. ફૂલરાણી આખા દિવસની ભૂખી હતી. એની ફૂલ જેવી કાયા કરમાઈ ગયેલી. ત્યાં તો પડખે જ એણે એક ઉંદરનું દર જોયું. ડોશીને ઘેર ઉંદર જોયેલા, એટલે તે બહુ ડરી નહીં. એણે દર પાસે જઈને પૂછ્યું, “અંદર કોણ છે? મને કંઈ ખાવાનું દેશો?” એ સાંભળીને એક બુઢ઼ઢી ઉંદરડી બહાર આવી. છોકરીને જોઈને એ ડોશીને તો બહુ હેત આવ્યું. તરત જ એને અંદર લઈ ગઈ. ત્યાર પછી ફૂલરાણી તો ત્યાં જ રહેતી. ઉંદરડી જ્યારે બહાર ચારો લેવા જાય ત્યારે ફૂલરાણી ઘરને સાવરણીથી વાળી નાખે, પડખે ઘાસ ઊગેલું એમાંથી તરણાં લાવીને પથારી પાથરી રાખે, અને ઉંદરડી જે ખાવાનું લાવે તે બેઉ જણા મળીને ખાય. ઉંદરડીને કોઈ સગું નહોતું. ફક્ત એક છછુંદરો કોઈ કોઈ વાર જતો-આવતો. ફૂલરાણી રોજ તરણાં લેવા જતી ત્યારે ત્યાં એક પંખી પડેલું જોતી. પહેલાં તો એને એ પંખીની બીક લાગી. પણ એણે જોયું કે પંખીની પાંખ તૂટેલી છે, એટલે પછી એણે જઈને પંખીની ચારેય તરફ તરણાંનું સુંવાળું બિછાનું કરી આપ્યું, એને દરમાંથી ખાવાનું લાવીને ખવરાવ્યું. ડોશીમાની વાતો

13

ડોશીમાની વાતો
૧૩