પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

22 થોડા દિવસ થયા. સોનબાઈને દાટેલી ત્યાં એક લીંબડો ઊગ્યો. કૂતરાને દાટેલો ત્યાં એક પીપળો ઊગ્યો. ઝાડ મોટાં થયાં. જાત્રા કરીને માબાપ ચાલ્યાં આવતાં હતાં. રસ્તામાં લીંબડો-પીપળો આવ્યા. નાનો દીકરો કહે કે “અહીં પોરો ખાઈએ’’. ‘‘વાહ રે! કેવાં રૂપાળાં ઝાડ! એમ કહીને નાનો દીકરો લીંબડા-પીપળાની ડાળ હલાવવા મંડ્યો. ત્યાં તો જમીનમાંથી જાણે કોઈ ગાવા લાગ્યું કે - કોણ હલાવે લીંબડી? કોણ હલાવે પીપળી! ભાઈની મારેલ બે'નડી ભોજાઈની રંગેલ ચૂંદડી! નાનો ભાઈ તો હેબતાઈ ગયો. સોનબાઈના જેવો આ કોનો સાદ હશે? પછી લીંબડાની હેઠળ એણે ખોદ્યું. ત્યાં તો સોનબાઈ નીકળી. પીપળાની હેઠળ ખોદે ત્યાં સોનબાઈનો કૂતો નીકળ્યો. નાના ભાઈએ પોતાની એક જાંઘ ચીરીને તેમાં સોનબાઈને સંતાડી, અને બીજી જાંઘમાં કૂતરો સંતાડ્યો. બધાં ઘેર ગયાં. માબાપે અને નાના ભાઈએ પૂછ્યું: “સોનબાઈ ક્યાં?’’ ભાભીઓ કહે કે, “રમવા ગયાં છે”. રાત પડી. સહુ જમવા બેઠા. ભાઈ કહે: સોનબાઈને બોલાવોને.’’ ભાભીઓએ ગામમાંથી એક બાડી છોડીને હાજર કરી ને કહ્યું “આ સોનબાઈ.’’ નાનો ભાઈ કહે, ‘આવી સોનબાઈ? એની આંખ બાડી કેમ ?’’ ભાભીઓ કહે, “તમે નહોતા ત્યારે એક આંખ ફૂટી ગઈ છે. આટલાં બધાં વરસ થયાં તે સોનબાઈનું રૂપ બદલી ગયું છે.’ હસીને ભાઈએ પોતાની જાંઘમાંથી સાચી સોનબાઈને બહાર કાઢી. ભાભીઓનાં મોઢાં કાળાં કાળાં શાહી જેવાં થઈ ગયાં. બીજી જાંઘમાંથી કૂતરો નીકળ્યો. ભાભીઓને મરવા જેવું થયું. ભાઈ કહે, “આ રાંડોનાં નાક-કાન કાપીને ઊંધે ગધેડે બેસાડીને ગામમાં ફેરવીશ.’’ સોનબાઈ આડી પડીને કહે કે, “ભાભીઓને કાંઈ કરો તો મારા સોગંદ’. ભાભીઓ તો રોતી રોતી સોનબાઈને પગે પડી. સોનબાઈની આંખમાં પણ આંસુ આવ્યાં. છ ભાઈ ઘેર આવ્યા, બહુ જ ભોંઠા પડ્યા, માબાપના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યા, સોનબાઈને પગે પડ્યા. પછી બધાં એ વાત વીસરી ગયાં. સોનબાઈ મોટી થઈ એટલે પરણીને સાસરે ગઈ.

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૨૨