પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

5 ભાઈબહેન બે હતાં ભાઈ–બહેન. એની સગી મા મરી ગયેલી. નવી મા બે ભાઈ–બહેનને બહુ દુ:ખ દેતી. એક દિવસ ભાઈ કહે, “જો બહેન, આપણી મા મરી ગઈ. બાપ પણ નથી. પણ માનું દુઃખ ખમાતું નથી. ચાલો આપણે ભાગી જઈએ.’’ બહેને હા પાડી. ભાઈ–બહેન હાથના આંકડા ભીડીને ઘેરથી બહાર નીકળ્યાં. વ૨સાદ વ૨સે છે. પલળતાં પલળતાં બેય જણાં આઘે આઘે ક્યાંય ચાલ્યાં જાય છે. એમ કરતા સાંજ પડી. ત્યાં તો તેઓ એક વનમાં આવી પહોંચ્યાં. આખો દિવસ ખાધેલું નહીં, અને ખૂબ ચાલેલાં, એટલે બેઉને ઊંઘ આવતી હતી. એક ઝાડ હેઠળ જઈને ભાઈ–બહેન ઊંઘી ગયાં. જ્યાં ઊંઘ ઊડી ત્યાં તો સવાર પડી ગયેલું. તડકો ચડી ગયેલો. ભાઈ કહે, “બહેન ! હું બહુ જ ભૂખ્યો ને તરસ્યો થયો છું. ચાલો, આટલામાં ક્યાંય નદી હોય તો જોઈએ.’ હવે આંહીં એને ઘેરે શું બન્યું? એની નવી મા હતી ડાકણ. એ રાંડને ખબર પડી ગઈ કે છોકરાં મરી નથી ગયાં. એટલે તે છાનીમાની વનમાં આવી. વનમાં બધાંય ઝરણામાં મંત્ર નાખી ગઈ. ભાઈ–બહેન પાણી ગોતતાં ગોતતાં એક ઝરણાને કાંઠે આવ્યાં. ભાઈ જ્યાં પાણીનો ખોબો ભરીને પીવા જાય, ત્યાં તો બહેને ઝરણામાં કંઈક અવાજ સાંભળ્યો. પાણી ખળખળ કરતું જાણે બોલતું હતું કે પીશો મા, પીશો મા, જે આ પાણી પીશે તે શિયાળ થઈ જાશે'. એ સાંભળીને બહેને ભાઈના ખોબામાંથી પાણી ઢોળી નાખ્યું ને કહ્યું કે ‘ભાઈ, ચાલો, બીજું ઝરણું ગોતીએ'. થોડે આઘે જાય ત્યાં ઝરણું આવ્યું. કાંઠે બેસીને ભાઈ જ્યાં ખોબો ભરે છે, ત્યાં પાણીમાંથી જાણે કોઈ બોલ્યું કે ખળ ખળ, ખળ, ખળ. એ પાણી પીશો મા, પીશો મા, પીશો તો બકરું બની જાશો'. ડોશીમાની વાતો

23

ડોશીમાની વાતો
૨૩