પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

6 દેડકો ભરથાર એક હતો રાજા; એને ત્રણ દીકરી હતી. ત્રણેય રાજકુમારી બહુ રૂપાળી, તેમાંયે નાની રાજકુમારીનું રૂપ તો અસલ જાણે પરી જેવું. રાજમહેલની પાસે એક વન હતું. એ વનમાં એક ઝરણું હતું, ઉનાળાના દિવસમાં રાજાની નાની કુંવરી એ ઝરણાને કાંઠે આવીને ઝાડને છાંયડે બેસતી; બેસીને સોનાનો એક નાનો દડો લઈ રમતી. એક દિવસ એ રમતી હતી ત્યાં તો એનો દડો હાથમાંથી સરી ગયો અને દડતો દડતો ટપ દઈને ઝરણામાં પડ્યો. ત્યાં પાણી બહુ ઊંડું હતું. એમાં પડે તો માણસ ડૂબી જાય. રાજકુમારી હવે શું કરે? એની આંખમાંથી તો ટપ ટપ પાણી પડવા માંડ્યાં. ખૂબ રોવા લાગી. રોતાં રોતાં એને એમ લાગ્યું કે જાણે એને કોઈ બોલાવે છે. રાજકુમારીએ ચારેય તરફ જોયું, પણ કોઈ ન મળે. ફક્ત એક મોટો દેડકો પાણીમાંથી ડોકું કાઢીને આંખો મટમટાવતો એની સામે જોઈ રહ્યો હતો. દેડકો બોલ્યોઃ “રાજકુમારી! ઓ રાજકુમારી, શા માટે રુએ છે?' રાજકુમારી કહે, “મારો સોનાનો દડો પાણીમાં પડી ગયો છે”. દેડકો કહે, “હું તારો દડો પાણીમાંથી કાઢી દઉં તો મને શું આપીશ?’’ રાજકુમારી કહે, “મારો ઝગમગતો પોશાક આપીશ, મારો ચકચકતો મુગટ આપીશ, મારી મોતીની માળા આપીશ, તું જે માગીશ તે હું આપીશ’. દેડકો બોલ્યો, “મારે તારો પોશાક-બોશાક કંઈ નથી જોતા. તું જો મને તારી સાથે રમવા દે, તારી સોનાની થાળીમાં તારી સાથે જમવા દે, તારી નાનકડી પથારીની અંદર તારી સાથે મને સૂવા દે, તો હું તારો સોનાનો દડો કાઢી આપું.” રાજકુમારી કહે, “ભલે. તું જો મારો દડો કાઢી દે, તો તું જેમ કહીશ તેમ હું કરીશ. રાજકુમારીના મનમાં તો એમ થયું કે ‘કેવો નાદાન! દેડકો તે શું માણસની સાથે રહી શકે? એ તો પાણીમાં બેઠો બેઠો ડ્રાઉં ડ્રાઉં કરી જાણે’. ડોશીમાની વાતો

27

ડોશીમાની વાતો
૨૭