પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક દિવસ મધરાત હતી. તે વખતે રાણીના ઓરડામાં એક બુઢ્ઢો પુરૂષ ઊભેલો. એ પુરુષ રાજાનો વજીર હતો. બેય જણાં શી વાત કરતાં હતાં?

રાણી કહે: "જુઓ, આ હીરામાણેકનો ઢગલો. તમારે જોઇતો હોય તો મારું એક કામ કરો."

વજીર કહે: "શું કામ?"

રાણી કહે:"ખૂન."

વજીર કહે:"કોનુ?"

રાણી કહે:"રાજકુમારનું."

વજીર તો ચમકી ઊઠ્યો ને બોલ્યો કે 'અરેરે! રાણી માતા! એ કુંવરને તો મેં મારા બે હાથે રમાડ્યો છે. એ જ હાથે હું એને મારું?"

રાણી બોલી: "નહિ મારો તો હું તમારો પ્રાણ લઇશ." ધ્રૂજતો ધ્રૂજતો વજીર બોલ્યો: "શી રીતે મારું?" રાણી કહે: "આ કટારથી."

વજીર ધ્રૂજી ઊઠ્યો. એ બોલ્યો કે "ના,ના કટાર મારતાં મારો હાથ થરથરે. હું એને ઝેર પાઇને મારીશ."

રાજકુમારી આ વાત સાભળી ગઇ. એ તો દોડતી જંગલમાં ગઈ. ત્યાં એક શંકરનું દેવળ હતું. રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી.

ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો. એનું મોઢું બહુ વિકરાળ. માથે મોટા મોટા વાળ. લાંબી દાઢી અને રાતી રાતી આંખો. રાજકુમારી તો દોડીને એને વળગી પડી ને બોલી: "ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ!"

એ પુરુષ પૂછે છે કે "અરે છોડી, તું કોણ છો? તું મને ઓળખતી નથી? હું તો આ જંગલનો બહારવટીયો છું. તને મારી બીક નથી લાગતી."

રાજકુમારી બોલી: "ના! તું ખોટું બોલે છે, તું તો મારો ભૈરવભાઈ. પાંચ વરસ પહેલાં અમે ભાઇ-બહેન તારા ખોળામાં રમતાં તે તું ભૂલી ગયો, ભૈરવભાઈ?"

ભૈરવ ગળગળો થઇ ગયો. એણે પૂછ્યું: "બહેન, ભાઈ કયાં છે? એને કેમ છે?"

રાજકુમારી રોઇ પડી ને બોલી કે "ભાઇને તો આજ આ મંદિરે લાવીને મારી નાખશે."

બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો. રાત પડી ત્યાં રાજકુમારને લઇ વજીર આવી પહોંચ્યો.

વજીર કહે: "રાજકુંવર, લ્યો આ શરબત પી જાવ."

રાજકુંવર બોલ્યો: "વજીરજી, હું જાણું છું કે એ શરબત નથી, ઝેર છે. છતાં લાવો પી જાઉં."