પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે, ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો. વજીરને ઝેર ચડ્યું. જમીન પર એ પડી ગયો. મરતાં મરતાં બોલ્યો કે "રાજકુંવર, અહીંથી પરદેશ ભાગી જજો; નહિ તો તમારો પ્રાણ જશે."

રાજકુંવર અને ભૈરવ મળ્યા. ત્રણેય જણાં પરદેશ ઊપડ્યાં. રસ્તામાં રાત પડી. ઉજ્જડ જંગલ હતું. બહેન-ભાઇના પગમાં કાંટા વાગતા જાય છે, શરીરે ઉઝરડા પડે છે, ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યાં જાય છે.

એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે. ભૈરવભાઈ પાસે એક તલવાર. પણ એકલો કેટલાં વરુને મારી શકે? પછી એણે કહ્યું: "તમે ભાઇ-બહેન ભાગો. મને એકલાને મરવા દો."

પોતાની તલવારથી ભૈરવે પોતાનાં શરીરમાંથી માંસના લોચા કાપ્યા, કાપી કાપીને વરુઓનાં મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય, ત્યાં ત્રણે જણાં આઘાં આઘાં નીકળી જાય. વળી વરુઓ દોડતાં દોડતાં આવી પહોંચે. ફરી વાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવરાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયાં.

સવાર પડ્યું. એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું. પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમેય ચડે નહિ. રાજાને બ્રાહ્મણો કહે કે 'કોઇ બત્રીસલક્ષણા માણસનો ભોગ આપો.'

રાજકુંવર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહે: 'આ જ બત્રીસલક્ષણો માણસ, આપી દ્યો એનો ભોગ.'

રાજકુંવર કહે: 'મને મારો છો શા સારુ? જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઇશ." એમ કહીને એણે દોરી ખેંચી. ઈંડું વાકું હતું તે સીધું થઇને ચડી ગયું. માણસો વાહ વાહ કરવા લાગ્યાં.

ભાઇ-બહેન ત્યાંથી આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતાં બીજી એક નગરી આવી. તે દિવસે તે નગરીની રાજકુંવરીનો સ્વયંવર થતો હતો. દેશ-દેશના રાજાઓઓ ભેગા થયા હતા.

બહુ મોટી સભા ભરાયેલી. બધા રાજાઓ વચ્ચે હાથણી પર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાજીએ હાથણીને કહ્યું કે: "હે દેવી! જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પરણાવીશ ને અરધું રાજપાટ આપીશ."

હાથણી આખી સભામાં ફરી વળી. પણ કોઇના ઉપર એનું મન ઠર્યું નહિ. ચાલતી ચાલતી હાથણી મંડપની બહાર ગઇ, ત્યાં એણે કળશ ઢોળ્યો. કોના ઉપર? એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર.

બધાય બોલી ઊઠ્યા: "હાથણી ભૂલી. હાથણી ભૂલી. આ ભિખારીની સાથે રાજકુમારી કંઇ પરણે ખરી કે?