લખાણ પર જાઓ

પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બધા કહે કે 'હાથીને બોલાવો'.

હાથી ઉપર ચડીને રાજકુમારી આવી. હાથી પણ આખા મડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુંવરને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો; હાથી ત્યાં પહોંચ્યો, ને એના ઉપર કળશ ઢોળ્યો.

રાજકુમારી પોતાના બાપને કહે: "બાપુ, મારા નસીબમાં ગમે તે માડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની. બીજા મારા ભાઇ-બાપ."

પછી બેઉ પરણ્યાં. રાજકુંવર અર્ધા રાજપાટનો ધણી બન્યો છે, અને લીલા લહેર કરે છે.પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે.

પણ રાજકુમારના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સાંભરતો. પોતાના બુઢ્ઢા બાપુ સાંભરતા. કોઇ કોઇ દિવસ એની આંખમાં પાણી આવતાં. પછી એણે પોતાના સસરાની રજા માગી; કહ્યું કે છ મહિને પાછો આવીશ. રાજાએ દીકરીને તૈયાર કરી બાર ગાઉમાં ગાડાં ચાલે તેટલો કરિયાવર દીધો. હાથીઘોડા દીધાં ડંકાનિશાન દીધાં. આખો રસાલો લઇને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો.

આંહીં તો બાપ બુઢ્ઢા થઇ ગયા છે. કુંવર અને કુંવરી ચાલ્યાં ગયાં ત્યારથી એને ઠીક લાગ્યું નહોતું. રાણી એને રીઝવ્યા કરે; પણ દેવનાં બાળક જેવાં પોતાનાં બે છોકરાંને કાંઇ ભુલાય? રાજા તો ઝૂરી ઝૂરીને રાતદિવસ કાઢે. રાણી ઘણું ય મનાવે, છોકરાંનાં વાંકાં બોલે, પણ રાજાનું મન માને નહિ. એણે રાણી સાથે અબોલા લીધા.

રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નહિ. આખો રાજકારભાર બગડ્યો. સારા માણસો ભાગી ગયા. ખરાબ માણસોનું જોર વધ્યું. ખજાના ખાલી થયા, પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું.

રાજાજી તો ઝંખે કે 'ક્યાં હશે મારાં કુંવર અને કુંવરી? એને કોણ ખવરાવતું હશે? કોણ સુવાડતું હશે?'

એક દિવસ સાંજ પડી. આકાશમાં ધૂળના ગોટેગોટા ઊડે છે. ચાકરો આવીને કહે કે, કોઇ પરદેશી રાજા ચડી આવે છે, એની સાથે અપરંપાર સેના છે.

રાજાની પાસે સેના નહિ, હથિયાર નહિ. રાજા શું કરે? મોઢામાં ખડનું તરણું લીધું, હાથમાં અવળી તલવાર ઝાલી અને એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો.

પરદેશી રાજાએ આ જોયું. જોતાં એ સામો દોડ્યો. દોડીને બુઢ્ઢા રાજાના પગમાં પડી ગયો ને બોલી ઊઠ્યો: "બાપુ, બાપુ, મને પાપમાં કાં નાખો?"

રાજાએ કુંવરને ઓળખ્યો. કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા. કુંવરની આંખોમાં ય આંસુ માય નહિ.

ગાજતેવાજતે બધાં નગરમાં ગયાં. કુંવરને જોવા આખું ગામ જાણે હલકી ઊઠ્યું.