૮
સોનાની પૂતળી
એક હતી રાજકુમારી. એનું નામ હીરા. પોતે બહુ રૂપાળી. પોતાનાં રૂપનો એને બહુ જ અહંકાર. કોઇની વાત સાંભળે નહિ, મનમાં આવે તેમ કરે અને રાતદિવસ શણગાર સજ્યા કરે.
એને સાત સખી હતી. એક સખી અંબોડો બાંધી આપે, બીજી સખી હાથપગ ચીતરી આપે, ત્રીજી સખી શણગાર સજી આપે, ચોથી સખી અરીસો ધરીને ઊભી રહે, પાંચમી પંખો ઢાલે, છઠ્ઠી વાજું વગાડે અને સાતમી નાચ કરે. સાતે જણી મળીને હીરાને મોઢે હીરાના વખાણ જ કર્યા કરે.
પહેલી સખી કહે: "આહા, કુંવરીબા તો જાણે કંચનની પૂતળી."
બીજી બોલે કે: "વાહ, એનો રંગ તો જાણે ચોખ્ખા સોના સરખો."
ત્રીજી ટાપસી પૂરે કે: "આહા! બાનું નાક તો જાણે બંસી."
ચોથી ચડાવી મારે કે: "અરે, બાની આંગળી તો અસલ જાણે ચંપાની કળી."
અને પાંચમી બોલે કે: "બહેન! તમારી આંખો તો બરાબર હીરાના જ કટકા."
આવું આવું સાંભલીને કુંવરીબા તો મદમાં ને મદમાં ફુલાયા કરે.
એનો મદ તો એટલો બધો ચડ્યો કે પછી પરીઓથી સહેવાયું નહિ. પરીઓને મનમાં થયું કે આને કંઇક શિખામણ દેવી જોઇએ.
સોનાના અરીસા સામે ઊભી ઊભી રાજકુમારી પોતાનું મોઢું જોતી હતી. ત્યાં તો અચાનક અરીસામાં કોઇનું મોઢું દેખાયું. પાછી ફરીને કુંવરી જુએ ત્યાં તો એક પરી ઊભેલી. પરી બોલી: "હીરા, તું બહુ રૂપાળી છો, પણ એટલો મદ રાખ નહિ. એથી તારું સારું નથી થવાનું."
રાજકુંવરી કહે: "મારું રૂપ તારાથી દેખી શકાતું નથી, એટલે જ મારી સાથે વઢવાડ કરવા આવી લાગે છે, ખરું ને?"
પરી કહે: "ના, જેને આટલો બધો અહંકાર હોય, તેનું સારું થાય જ નહિ; માટે હું તો તને ચેતવવા આવી છું, બહેન!"
આટલું બોલીને પરી ચાલી ગઇ.