પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી તો હીરાનો મદ ક્યાંય માય નહિ. એના મનમાં એમ થયું કે હું એટલી બધી રૂપાળી કે પરીઓ પણ મારી અદેખાઇ કરે!

હીરાની પાસે ઘેરો વળીને સાત સખીઓ બેસે ને એનાં ખોટેખોટાં વખાણ કરે!

એક જણી કહે: "કુંવરીબાના હોઠ તો અસલ પરવાળા જેવા જ!"

બીજી બોલે: "બાના દાંત તો જાણે અસલ મોતી!"

બધી વાતો સાંભળીને હીરા તો હસ્યા જ કરે.

એકાએક એક સખી બોલી: "અરે આ શું! બાના દાંત સાચેસાચ મોતી જેવા કેમ લાગે છે?"

વાત ખરી હતી. રાજકુંવરીનાં રાતા મોઢાંની અંદર એકે ય દાંત ન મળે. દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક ચળક થાય છે. સખીઓ સમજી ગઇ કે આ કામ પેલી પરીનું હશે. એને મનમાં ફાળ પડી, પણ રાજકુમારીને મોઢે કોઇ બોલ્યું નહિ. હીરા તો બહુ રાજી થઇ. એણે વિચાર્યું કે 'ખાવા પીવામાં લગાર અડચણ તો આવશે, પણ એની કંઇ ફિકર નહિ, મોતીના દાંત તો નસીબદારને જ મળે.'

એક દિવસ સવારે હીરા પથારીમાંથી ઊઠતી નથી. એની સાત સખીઓ ઉઠાડે છે. પણ હીરા તો પડખું ફેરવીને કહે છે કે, "ઓહો, હેરાન કરો મા બાપુ, અત્યારમાં ઊઠીને શું કરવું છે?"

સખીઓ કહે: "તમને અત્યાર લાગે છે. પણ જુઓ તો ખરાં, કેટલું ટાણું થઇ ગયું છે?"

હીરા કહે: "કાં, હજી તો અંધારું છે!"

સખીઓને લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે. એટલે એને ઢંઢોળીને કહ્યું: "આમ જુઓ તો, તડકા કેટલા બધા ચડી ગયા છે!"

ત્યાર પછી હીરાના પેટમાં ફાળ પડી. એ તો આંખો ઉઘાડીને જોતી હતી, પણ અજવાળું જ દેખાતું નહોતું. બે હાથે આંખ ચોળી ફરીથી જોયું, તો ય અંધારું ઘોર! હાય,હાય, એ આંધળી બની ગઇ હતી!

રાજાના મહેલમાં તો પોકાર થઇ ગયો. વૈદ્યને બોલાવવા માણસો દોડ્યાં.

વૈદ્ય આવીને જુએ ત્યાં તો આંખો એવી ને એવી જ. ઊલટી વધુ ચકચક થતી હતી. કેમ જાણે આંખો સળગી ઊઠી હોય ને! વૈદ્યે આંખો ઉપર ધીરે ધીરે ફૂંક મારી; પણ હીરાની આંખ જેમ હતી તેમ જ રહી; બિડાઇ ન ગઇ. પછી વૈદ્યે આંખમાં આંગળી નાખી તો યે આંખો હલીચલી નહિ. પછી અંદર છરી ઘોંચી. પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહિ. આંખોને બદલે હીરાના બે કટકા બની ગયા છે!

આંખો ગઇ, એટલે પહેલાં તો રાજકુંવરીને બહુ વસમું લાગ્યું. પણ સાત સખીઓ કહેવા લાગી કે, "એમાં શું થઇ ગયું? તમે ભાળશો નહિ તો અમે તમારું બધું કામ કરી