પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેશું. પણ તમારી આંખો કેવી રૂપાળી બની ગઇ છે! એની શી વાત કરવી, બા?" રાજકુંવરી બહુ રાજી થઇ. એને તો રૂપાળા થવું હતું! બીજી કાંઇ વાત નહિ.

વળી એક દિવસ સવારે ઊઠીને હીરા બોલવા જાય, પણ બોલાયું નહિ. ફરી વાર વૈદ્ય આવ્યા. ખૂબ તપાસીને વૈદ્ય બોલ્યા કે, "કુંવરીબાની જીભ અને હોઠ બધાંય પરવાળાંનાં બની ગયાં છે."

મૂંગાં થવું એ તો ખરેખર બહુ જ વસમું, પણ સાત સખીઓ હીરાને કહે: "રાતા રાતા પરવાળાના હોઠની અંદર મોતીના દાણા જેવા દાંત કેવા શોભીતા લાગે છે! તમારા જેવી સુંદરી હવે તો આખા જગતમાં ન મળે."

ધીરે ધીરે રેશમ જેવા કાળા એના વાળ પણ સાચેસાચ રેશમના જ થઇ ગયા, એની આંગળીઓ પણ ચંપાની કળીઓ બની ગઇ. પછી પરીઓએ વિચાર્યું કે ચાલો, ફરીવાર હીરાની પાસે જઇએ. હવે કદાચ એનો મદ ઊતરી ગયો હશે.

સોનાના આસન ઉપર હીરા બેઠી છે. સાત સખીઓ એને વીંટળાઈ વળી છે. એ વખતે પરીએ આવીને હીરાને પૂછ્યું: "હીરા! હવે તને કાંઇ અક્કલ આવી કે? તારો ગર્વ ઊતર્યો કે? બોલ, મને જવાબ દેવો હશે તો તારાથી બોલી શકાશે."

ક્રોધમાં હીરાનું મોઢું રાતુચોળ થઇ ગયું. રાડ પાડીને હીરા બોલી: "હું કદી યે તારી પાસે હાર કબૂલ કરવાની નથી. મારા મહેલમાંથી હમણાં જ ચાલી જા!"

પરી કહે: "ઓહો હજી યે આટલો મદ? ઠીક, તને બધાં ય કંચનની પૂતળી કહીને બોલાવે છે; તો હવે સાચેસાચ તું કંચનની પૂતળી બની જા!"

ત્યાં તો જોતજોતામાં રાજકુંવરીનો રંગ સોના જેવો થઇ ગયો ને આખું શરીર ચળક ચળક થવા માડ્યું. ધીરે ધીરે એના હાથ પગ કઠણ બની ગયા. હીરા સોનાની પૂતળી બની ગઇ.

રાજમહેલમાં, એક સૌથી સુંદર ઓરડાની અંદર એ સોનાની પૂતળીને બેસાડી રાખી. એને જોઇને બધાંયને બીક લાગતી. પછી એ દેશમાં માણસો અભિમાન કરતાં જ મટી ગયાં.