પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાંની કેટલીએક વાતો બંગાળાની લોકકથામાંથી લીધેલી છે. એ વાંચતાં જ આપણી જૂની સ્મૃતિ જાગે છે, ને યાદ આવે છે કે એની એ વાતો આપણે ત્યાં પણ હતી. હું માનું છું કે લગાર પ્રસંગોના ફેરફાર બાદ કરતાં ભૂમિકા એકની એક જ છે. કેમ જાણે એકનાં એક ડોશીમા બંને પ્રાંતમાં આથડીને એની એ વાતો કહી આવ્યાં હોય! ચારસો-પાંચસો ગાઉને અંતરે પડેલા પ્રાંતોનાં હૈયાનાં ઊંડાણમાં તો એક જ ધબકારા બોલી રહ્યા છે. ભારતવર્ષની એકરાષ્ટ્રતાનો આ પણ એક સબળ પુરાવો કાં ન હોય? બંગાળાની અંદર બાળ-સાહિત્યની વાડી આજ આપણા રાષ્ટ્રજીવનને ખરે ઉનાળે ઊગી. નીકળી છે. એની લીલી ક્યારીઓ ભાળીને આપણને ગુજરાતીઓને આપણાં ઉજ્જડ ખેતરોને માટે લજ્જા જ આવે. સોનબાઈ, નિર્દયાળુ અપ્સરા, નીતિવાન ચોર, રાજકુમાર-રાજકુમારીએ – એ ચાર વાર્તા આપણાં ડોસા-ડોસી પાસેથી મળી. બીજી મેળવવા દસબાર ડોશીમાઓ પાસે કરગયો. પણ એ છિન્નભિન્ન સ્મૃતિઓમાંથી સળંગ વાર્તાઓ શોધવી મુશ્કેલ પડી. તથાપિ તપાસ ચાલુ છે. મેળવીને ફરી એક વાર એ આપણાં નાનાં ભાઈ-બહેનોને ભેટ ધરશું. જેને જેને જડી આવે તે આંહીં લખી મોકલે તો કેવું સારું! ભાષા તો ડોશીમાની જ રાખવા કાળજી કરી છે. છતાં હું શિક્ષક નથી, બાળકોનો નિત્ય-સંગી પણ નથી. શંકા રહે છે કે સીધેસીધી આ વાતો વાંચીને નાનાં ભાઈ-બહેનો કદાચ પૂરેપૂરી ન સમજે, તેથી જ આ અર્પણ થઈ છે આપણી ભણેલી ગણેલી યુવાન માતાઓને. એ બહેનો રસભેર વાંચી શકશે તેની મને અનુભવપૂર્વક ખાતરી છે. અને પછી તો, પોતાનાં બાળકની પાસે પોતાની ઢબે એ વાતો કહેવાનું જ બાકી રહે છે. મારી તો આશા છે કે નાના કે મોટાં, નર કે નારી, સહુને આ વાતોમાં રસ પડવાનો. ડહાપણ, ડગલે ને પગલે તર્ક, દરેક કાર્યમાં બુદ્ધિ, જુક્તિ, અને આડમ્બર – એ નિત્યના જીવનક્રમથી આપણે કેટલીયે વાર થાકી જઈએ છીએ. ધરતીના સીમાડા વટાવીને ઊંચે ઊડવા આપણી કલ્પના તલસે છે. ફરી બાળપણની રમ્ય સૃષ્ટિમાં મહાલવાનું મન થાય છે. તે વેળા આવી અસંભવ જણાતી વાતોમાં પણ આપણે તલ્લીન બનીએ, હસીએ, ને રડીએ પણ ખરાં. અને પશુપંખીઓ ઉપર પણ પ્રીતિ આવે. બાળકોનાં હૈયાંમાં ન ઊતરે તેવી કેટલીએક બીનાઓ કે પ્રસંગો આવે ત્યાં સમજાવટ કરવી ઘટે. એ પણ બાળકો શાળામાં જઈને શીખે તેના કરતાં આવી વાતોમાંથી જ સમજી ત્યે. એટલે જીવનની ઝીણી ઘટનાઓ પણ એની નજરે આવે. શબ્દો પણ બાળકોને શીખવાય. મારી આજીજી તો માતાઓની પાસે જ છે. એનાં પ્રેમલ અંતરમાંથી જ ધાવણની પેઠે આપોઆપ ઊછળેલી આ વાર્તાની ધારાઓ છે. કોઈ સાક્ષરે, કવિએ કે પંડિતે નથી જોડેલી. એમાં તો જનેતાનું હૃદય નીતરી રહ્યું છે. જે જનેતા ખોળામાં બેસાડીને ધાવણ ડોશીમાની વાતો