પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

10 હસમુખી એક હતો સોદાગર. એ સોદાગરને ત્રણ દીકરી હતી. મોટી બે બહેનો દેખાવમાં રૂપાળી પણ એનાં મન બહુ ખારીલાં. આખો દિવસ બેઠી બેઠી બેઉ જણીઓ નવા નવા શણગાર સજ્યા કરે. નાની દીકરી, જેવી રૂપાળી તેવી જ ગુણવાન. એનું મોં તો સદાય હસતું ને હસતું. બધાંયને એના ઉપર બહુ હેત આવે. બધાએ એનું નામ પાડ્યું : ‘હસમુખી’. સોદાગર બહુ જ પૈસાદાર. એને ઘેર સાતસાત કોટડી દ્રવ્ય ભર્યું છે. મહામૂલા માલ ભરી એનાં વહાણ દેશવિદેશમાં જાય છે. એક વખત ખબર પડ્યા કે એનાં બધાં વહાણ દરિયામાં ડૂબી ગયાં. એ રંક બની ગયો. મહેલ વેચીને નાની ઝૂંપડીમાં રહેવા ગયો. ભાતભાતનાં ભોજનને બદલે જુવારનો રોટલો જ મળે. મોટી બે બહેનોને તો બહુ જ ખીજ ચડી. એને કાંઈ સારું લાગે નહીં. આખો દિવસ કચકચ કર્યા જ કરે. પણ નાની બહેન હસમુખીનું મોં તો હસતું ને હસતું. આખો દિવસ ઘરનું કામકાજ કરે, રાંધણું કરે, વાળીચોળીને ઘર ચોખ્ખું રાખે, પોતાના બાપુની સંભાળ રાખે ને રાતે પોતાની નાની મજાની પથારીમાં સુખેથી ઊંઘી જાય. સવાર પડ્યું ન હોય ત્યાં તો ઊઠે ને કામકાજ કરવા માંડે. બાપનેય આ નાની દીકરી ઉપર બહુ જ હેત. પણ મોટી બે બહેનોથી એ ખમાય નહીં. વળી ખબર આવ્યા કે એનું એક વહાણ હાથ આવ્યું છે. એ વહાણને લેવા જવામાં સોદાગરને પાછા આવતાં એક વરસ લાગશે. એણે દીકરીઓને પૂછ્યું “તમારે માટે કાંઈ લાવું?’’ મોટી દીકરી કહે કે મારે માટે એક રૂપાળું ઓઢણું લાવજો’’. વચેટ દીકરી કહે કે મારે માટે એક મોતીની માળા લાવજો. સહુથી નાની દીકરી હસમુખી રોતી રોતી કહે કે “બાપુ! મારે બીજું કાંઈ નથી જોઈતું. તમે વહેલા વહેલા પાછા આવજો”. ડોશીમાની વાતો

43

ડોશીમાની વાતો
૪૩