પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧
મયૂર રાજા

એક હતો રાજા અને એક હતી રાણી. એને બે નાના દીકરા હતા. થોડા વખત પછી એને એક રૂપાળી કુંવરી અવતરી. દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને બોલાવી રાજારાણીએ કુંવરીનું નામ પાડ્યું મણિમાળા. બધાં જવા લાગ્યાં તે વખતે રાણીએ પરીઓને પૂછ્યું કે, 'મારી દીકરીનું નસીબ કેવું છે?' પરીને આ વાત કહેવાનું મન નહોતું. પણ રાણીએ બહુ જ આજીજી કરી. રાણી કેમે ય જાવા દે નહિ. એટલે પરીઓએ કહ્યું કે, 'તમારી કુંવરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે. કદાચ એ મરી યે જાય.' રાણી તો આ વાત સાંભળીને કલ્પાંત કરવા લાગી. પણ એણે કોઈને કાંઈ કહ્યું નહિ.

ત્યારથી રાણી બરાબર ખાય નહિ, પીએ નહિ. છાનીમાની બેસી રહે.

રાજા કહે: "રાણીજી, બોલો શું થયું છે તમને? મોઢું કેમ ઊતરી ગયું છે?"

રાણી ખોટું ખોટું કહે કે, "તળાવમાં નહાવા ગ‌ઈ'તી ત્યાં એક જોડ હીરાની બંગડી પાણીમાં પડી ગ‌ઈ."

રાજાજી કહે: "બસ, આ જ વાત છે? બોલાવો સોનીને અને ઘડાવો બીજી છ જોડ હીરાની બંગડી."

છ જોડ હીરાની બંગડી ઘડાવી, તો યે રાણીજી ખાય નહિ, પીએ નહી, રાતે પાણીએ રોયા કરે.

રાજા કહે: "રાણી઼જી, વળી શું થયું?"

રાણી કહે: "બગીચે ફરવા ગ‌ઈ'તી ત્યાં કાંટા ભરાણા ને સોનેરી સાડી ફાટી ગઈ."

તરત જ રાજાએ હુકમ દીધો કે, "બીજી પચાસ મણિમોતી- જડેલી સાડીઓ કરાવો." પચાસ સાડીઓ આવી.

તો ય રાણી ખાય નહિ, પીએ નહિ : ડળક ડળક રોયા કરે. રાજાજી કહે: "રાણીજી, ખરેખર તમે કંઈ વાત સંતાડી રાખી છે. સાચું કહો, શું થયું છે?" રાણીએ પરીઓની વાત કહી બતાવી. સાંભળીને રાજાને ફાળ પડી. એણે કહ્યું કે "કુંવરીને મારી નાખીએ."