પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલામાં તો ભરર! ભરર! ભરર! એવો અવાજ સંભળાયો. જુએ ત્યાં તો આકાશમાં ટીડડાંનાં ટોળેટોળાં ચાલ્યાં. એ કહે: "ભાઈઓ, આંહીં શું કામ આવ્યા છો?"

મોટો ભાઈ કહે: "મોર પંખીનો દેશ ક્યાં આવ્યો, ભાઈ?" ટીડ કહે: "ચાલો તમને એ દેશમાં લઈ જઈએ. પણ એ તો બહુ જ આઘે છે. તમારાથી પહોંચાશે?"

બેય ભાઈઓએ પોતાની બધી વાત કરી, એટલે ટીડ ભેગાં થયાં. એક ઝાડની ડાળ ભાંગી ને તેના ઉપર એ બે ભાઈઓને બેસાડ્યા, પછી ડાળ ઉપાડીને બે ભાઈઓને લઈને ટીડ મોર પંખીને દેશ ચાલ્યાં.

નેવું હજાર ગાઉ આઘે એ દેશ. ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર! ધરતી ઉપર મોર, આકાશમાં યે મોર; કોઈ મોર રમત કરે છે, કોઈ નાચે છે અને બધા ય એવા ટહુકાર કરે છે કે ત્રણ ગાઉ આઘેથી પણ એ અવાજ સંભળાય. મોર પંખીના દેશમાં તો આવ્યા, પણ એના રાજા આગળ શી રીતે જવાય? ટીડ બોલ્યાં કે, 'ચાલો, તમને રાજા પાસે લઈ જઈએ.'

રાજદરબારમાં જઈને જુએ ત્યાં તો, બરાબર માનવી જેવાં માનવી જ બેઠેલાં. એ માણસોનો પોશાક મોરપીછાંનો બનાવેલો. દેખાવ બહુ રૂપાળો. બધાયની અંદર વધુમાં વધુ સ્વરૂપવાન રાજા. રાજા સોનેરી મોર પર બેઠેલા. એને માથે મોરપીંછનો મુગટ ઝળહળી રહ્યો છે.

નાનો રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યો: "અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ." એમ કહીને પોતાની બહેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી. છબી જોઈને મયૂર રાજા એટલા ખુશી થયા કે એ તો બોલવા મંડ્યા કે, "કેવું સુંદર! વાહ! કેવું સુંદર! માનવીને શું આટલું બધું રૂપ હોય?"

મણિમાળાના ભાઈ કહે: "આ અમારી પોતાની બહેનની જ છબી. આ મારા મોટાભાઈ છે. આપની જેમ એ પણ એક દેશના રાજા છે."

એ સાંભળીને મયૂર રાજાએ બેઉ ભાઈની બહુ જ મહેમાનગતી કરી. પછી તે બોલ્યા કે "પરણું તો આપની બહેનને જ પરણું. બીજી બધી મા-બહેન. પણ યાદ રાખો, જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું નહિ હોય તો હું તમને મારી નાખીશ."

ભાઈઓ કહે: "ભલે."

પછી બહેનને તેડવા પોતાના રાજમાં માણસો મોકલ્યા.

ત્રણ દરિયા વળોટીને મયૂર દેશનાં માણસો મણિમાળાને દેશ પહોંચ્યા. મણિમાળાને માટે એક સુંદર નૌકા સાથે લીધેલી. એ નૌકાની ચારે તરફ મોરનાં જ ચિત્રો. એમાં બેસીને મણિમાળા મોર પંખીના દેશ તરફ ચાલી નીકળી. સાથે પોતાની ધોળી બિલાડીને પણ લીધેલી. બીજી એક બુઢ્ઢી દાઈ અને એ બુઢ્ઢીની એક દીકરી પણ સાથે હતી.