પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નૌકામાં બેસી મણિમાળા વિચારે છે કે ઓહો! ક્યારે એ મોર પંખીના દેશમાં પહોંચું! બુઢ્ઢી દાઈના મનમાં થાય છે કે, 'મારી દીકરીને મયૂર રાજાની રાણી કેવી રીતે કરું!' બુઢ્ઢીના પેટમાં આવી દાનત હતી એની મણિમાળાને શી ખબર?

એક રાતે મણિમાળા સૂતી છે. એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી. એ સમયે બુઢ્ઢી દાઈ અને એની દીકરી બેઉ ઊઠ્યાં. બેઉ જણાએ રાજકુંવરીનો પલંગ ઉપાડ્યો ને નૌકામાંથી દરિયામાં મેલી દીધો. કોઈને ખબર પડી નહિ.

બીજે દિવસે નૌકા મોર પંખીના દેશ પહોંચી. રાજાજીએ પાલખી મોકલી. રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથાં ઊંચાં કરીને જોઈ રહેલા કે ઓ કન્યા આવે! ઓ આપણા રાજાજીની રાણી આવે! એટલામાં ઝળક-ઝળક થતો પોશાક પહેરીને બુઢ્ઢીની દીકરી નૌકામાંથી ઊતરી.

બધા મોર તો જોઈ રહ્યા.

એક મોર બોલ્યો: 'શું જોઈને આ ડાકણે આવો રૂપાળો પોશાક પહેર્યો હશે?'

બીજો મોર બોલ્યો: 'અરેરે! આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હશે?'

ત્રીજો મોર ચીસ પાડતો આવ્યો કે 'ભાઈઓ! એ જ આપણા રાણીજી!'

એ સાંભળીને બધા મોર 'કેહૂક, કેહૂક' કરતાં દુઃખની બૂમો પાડવા લાગ્યા.

બુઢ્ઢીની દીકરીને બહુ જ ખીજ ચડી. એ બોલી કે "પીટ્યાઓ! પહેલાં એક વાર મને રાણી થઈ જવા દો. પછી તમારી વાત છે."

કન્યાનું રૂપ જોવા મયૂર રાજા પણ આવ્યા. એણે તો કન્યાને જોઈ કે તરત એનું મોઢું રાતુંચોળ થયું. રાજા કહે કે "અરરર! મારી મશ્કરી! જાઓ, લઈ જાઓ એ બે ભાઈને બંદીખાનામાં; સાત દિવસ પછી ગરદન મારજો!"

રાજકુમારો તો કાંઈ યે ભેદ સમજ્યા નહિ અને અફસોસ કરવા લાગ્યા.

આ તરફ મણિમાળાનું શું થયું? એનો પલંગ તો તરતો તરતો ચાલ્યો. મણિમાળા અને એની બિલાડી બેઉ હજુ તો ઊંઘતાં હતાં. થોડી વારે બિલાડી જાગી. જુએ તો ચારે બાજુ પાણી! એ તો મ્યાંઉ મ્યાંઉ કરવા લાગી. પલંગની ચારે બાજુ મોટાં માછલાં વીંટળાઈ વળ્યાં, ત્યાં તો રાજકુંવરી પણ જાગી. જુએ તો ક્યાં નૌકા? ક્યાં એના માણસો? ક્યાં પોતે? પલંગ ઉપર એકલી એ પાણીમાં તણાતી જાય છે ને ચારે તરફ મોટાં માછલાં! એવાં મોટાં માછલાં કે આખા પલંગને ગળી જાય.

બે દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો. છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો. મછવા ઉપર એક ડોસો બેઠેલો. હાથીદાંતની નકશીવાળા એ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રીને જોઈને ડોસાએ એને મછવા ઉપર લઈ લીધી, ખાવાનું આપ્યું. મણિમાળા ખાઈપીને તાજી થઈ. એણે બધી વાત ડોસાને કહી. ડોસો કહે: "રડશો નહિ. આ એ જ મોર પંખીનો દેશ છે."