પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજકુમારી અને બિલાડી મછવામાં જ રહ્યાં.

રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કહે કે 'રાજાની થાળી ઉપાડી લાવજે.'

બિલાડી રોજ દરબારમાં જાય. ખાવાની થાળી તૈયાર થાય, રાજાજી જમવા પધારે, ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને પલાયન કરી જાય. મછવામાં જઈને ત્રણે જણાં એ ભોજન જમે.

એક દિવસ! બે દિવસ! રાજાજીનો થાળ રોજ ગૂમ થવા લાગ્યો. રાજાજીને નવાઈ લાગી. એક દિવસ રસોયો સંતાઈ ગયો. બિલાડી થાળી ઉપાડીને ભાગી, એટલે રસોયો પાછળ પાછળ ચાલ્યો; મછવામાં સંતાઈને જુએ ત્યાં તો બધો ભેદ સમજાયો.

રાજાજીને એણે બધી વાત કરી. રાજાજીએ ત્રણે જણાંને તેડાવ્યાં. આંખો રાતીચોળ કરીને પેલા બુઢ્ઢાને ધમકાવવા જાય ત્યાં તો એની નજર રાજકુમારી ઉપર પડી. રાજા હેબતાઈ ગયો. આ તો પેલી છબીમાં ચીતરેલી રાજકુમારી! અરે! છબીનાં કરતાં પણ કેટલું બધું રૂપાળું એનું મોઢું! ટગર! ટગર! રાજા જોઈ રહ્યો. રાજકુમારી હસતી હસતી અબોલ ઊભી રહી.

રાજા કહે: "બોલો કુમારી! કયો તમારો દેશ? શી રીતે આંહીં આવ્યાં?"

મણિમાળાએ બધી વાત કહી. રાજાએ બંદીખાના- માંથી રાજકુમારોને તેડાવ્યા. આજ બરાબર સાતમો દિવસ છે. રાજકુમારોએ જાણ્યું કે હાય! હાય! મરવાનું ટાણું થઈ ગયું, ત્યાં તો માણસોએ આવીને સલામ કરી. ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા. જઈને જુએ ત્યાં તો બહેનને દેખી! ત્રણેય ભાંડું ખૂબ રડ્યાં; પછી હસ્યાં.

મયૂર રાજા પણ ત્રણેય જણાંને પગે પડ્યો.

પછી તો ધામધૂમ સાથે મયૂર રાજા મણિમાળા સાથે પરણ્યા. અને પેલી બુઢ્ઢીની કદરૂપી છોડી ક્યાં? એ તો ક્યાંયે પલાયન કરી ગઈ.