પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે ? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે !

રાજાએ હુકમ કર્યો કે ‘આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાઈને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય.’

રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામનાં માણસો પણ સૂઈ ગયાં. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા.

રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આંહીંથી ચોર ઊતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાછો ઊતરવા મંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી.

ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે. એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે, ‘ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારાં ઠેકાણાં બતાવું.’

બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય, ત્યાં શેઠ-શેઠાણી ભર ઊંઘમાં સૂતેલાં. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે : ‘કોણ એ, ભાઈ !’

આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ‘ચાલો, બીજે ઘેર. આંહી ખાતર નથી પાડવું.’

રાજા કહે : ‘કાં ?’

ચોર બોલ્યો : ‘શેઠાણીએ મને ‘ભાઈ’ કહ્યો. બહેનને તો કાંઈક દેવાય.’ એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો.

પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા.

ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો.

રાજા કહે : ‘કેમ થયું ?’

ચોર બોલ્યો : ‘ભાઈ, આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ. ચાલો, બીજે ઘેર !’

રાજાને થયું કે ‘આ તે ચોર કે સંત !’