પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાતે ગૌરીને ઊંઘ આવે નહીં, પરીઓને ઘેર અપરંપાર સુખ, પણ એનું હૈયું પોતાના બાપને મળવા ટળવળી રહ્યું છે. સવારે ઊઠીને ગૌરી રાણીને કહે કે “મને મારે દેશ મોકલી આપો. બાપુને જોયા વિના હું શી રીતે જીવું? પ્રતાપ કહે, ‘‘જો, હું તને આંહીં બેઠાં તારા બાપુ બતાવું'. એમ કહીને તેણે ગૌરીની આંખો મીંચાવી દીધી, અને એના જમણા હાથની ટચલી આંગળી દાબી, પછી પૂછ્યું કે “કાંઈ દેખાય છે, રાજકુમારી?’ ગૌરીએ જોયું તો એક ઓ૨ડામાં એના બાપુ રડે છે ને ‘ગૌરી, ગૌરી’ ઝંખે છે. પેલી ઘુરઘુરી પાસે ઊભી ઊભી બોલે છે કે ‘ગૌરી તો મરી ગઈ, એને કાં બોલાવો, રાજા ?' આંખ ઉપરથી પ્રતાપનો હાથ ખસેડી રડતી રડતી એ બોલી, “કેવા કઠોર હૈયાના તમે? તમારે પાયે પડું, મને જાવા દો, બાપુ પાસે જાવા દો’. તુરત પ્રતાપ હરણની ગાડીમાં બેસાડીને ગૌરીને એના બાપને દેશ લઈ ગયો. નીચે ઉતારી ગૌરીને કહ્યું, “અમારા દેશથી જે માનવી ચાલ્યું જાય તે જીવતું ને જીવતું ફરી વાર ત્યાં આવી શકે નહીં. કબરમાં દટાયા પછી જ ત્યાં આવે’’. એટલું કહીને પ્રતાપ ચાલ્યો ગયો. ધીરે ધીરે ગૌરી મહેલમાં ચાલી. એને જોઈને રાજાએ ચીસ પાડી કે ‘ભૂત, ભૂત !’ પણ પછી એ સમજ્યા કે આ તો જીવતી રાજકુમારી ગૌરી છે, એટલે દીકરીને બાઝી પડ્યા ને રડવા લાગ્યા. ત્યાં તો પેલી ઘુરઘુરી આવી ને બોલી, “ઓહો! બેટા ગૌરી, તું ક્યાંથી માડી! તું શી રીતે આવી? નદીમાંથી તને કોણે ઉગારી? ચાલો, ચાલો, મારે ઓરડે’. એમ કહીને એનો હાથ ઝાલીને એ રાંડ એને લઈ ગઈ. રાજા તો ટગર ટગર જોઈ રહ્યો, પણ એનાથી કાંઈ બોલાયું નહીં. ઘુરઘુરીને એક ડાકણ બહેનપણી હતી. સાંજે ડાકણ આવી એટલે એને બધી વાત કરી : “આ ગૌરી તો પાછી જીવતી થઈ. ડાકણે સૂતરની આંટી દીધી અને કહ્યું કે સૂતર ઉખેળી દેવાનું કહેજે. કરોળિયાની જાળ જેવું ઝીણું સૂતર, હજાર હાથ લાંબું અને તદ્દન ગુંચવાઈ ગયેલું. ઘુરઘુરીએ સવારે ગૌરીને એ દીધું ને બોલી, “સાંજ સુધીમાં પૂરું નહીં કરે કે એમાંથી એકેય દોરો તૂટશે, તો પછી જોઈ લેજે, તારા શા હાલ થાય છે!’’ ગૌરી શું કરે? સૂતર ઉકેલતી જાય, દોરા તૂટતા જાય અને ટમટમ આંસુ પાડતી જાય. ત્યાં તો કોણ આવ્યું? આહાહા! આ તો પ્રતાપ! નીલમ જેવો લીલો એનો પોશાક ! પ્રતાપે આવીને આખી આંટી ઉખેળી દીધી. પછી એ ચાલ્યો ગયો. ઘુરઘુરી આવીને જુએ ત્યાં તો સૂતર તૈયાર તોયે ગૌરીનો ખોટો ખોટો વાંક કાઢીને બે-ચાર ધબ્બા મારી દીધા. બીજે દિવસે ડાકણને બોલાવી. ડાકણે આવીને એક ભારો પીછાં દીધાં ને બોલી, ગૌરીને કહેજે કે આમાંથી ભાત ભાતનાં પંખીનાં પીછાંની નોખી નોખી ભારી બાંધી આપે. ડોશીમાની વાતો

59

ડોશીમાની વાતો
૫૯