પૃષ્ઠ:Doshimani Vato.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪
ચંદ્ર અને બુનો

ચીન દેશમાં એક રાજા રાજ કરે. તેને હતો એક પ્રધાન. આ પ્રધાન બહુ સેતાન. રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય. રાજા ભોળો, એટલે પ્રધાનનું કપટ સમજે નહિ.

રાજાએ એક બીજા દેશના રાજાની કુંવરી સાથે લગ્ન કર્યા. નવી રાણી જેવી રૂપવાન તેવી જ ચતુર. રાજાજીના રાજના કામકાજમાં પણ એનું ધ્યાન પડે. રાજાની બધી યે વાત સમજે. એને પરણીને રાજા બહુ સુખમાં દિવસો ગુજારતા, પણ પ્રધાનની લુચ્ચાઈ હવે ચાલતી નહોતી; કેમ કે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ શકે તેવું નહોતું.

પ્રધાન તો ખટપટ આદરી. રાજાજીના કાન ભંભેર્યા કે રાણી તમને મારી નાખીને પોતાના ભાઈને રાજગાદીએ બેસાડશે. ખોટા સાક્ષી ઊભા કર્યા. બનાવટી કાગળિયા બનાવ્યા અને ઝેરના લાડવા પણ તૈયાર કરાવ્યા.

ભોળો રાજા ભરમાઈ ગયો અને હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો.

રાણી તો ચોધાર આંસુ પાડતી વનમાં ચાલી; સાથે નાનાં બાળક અને નિમકહલાલ નોકર.

ઘોર જંગલ! રાત પણ પડી ગઈ.

નોકર કહે કે "માજી! તમે આંહીં બેસો તો હું વનમાંથી થોડાં લાકડાં વીણી આવું. રાતે ટાઢ વાશે. વળી જંગલી જનાવર પણ આવે. લાકડાંનું બળતું કરશું તો જ રાત નીકળશે." એમ કહીને નોકર ગયો વનમાં લાકડાં વીણવા.

રાજાની રાણી : ફૂલ જેવા તો એના પગ : મહેલ બહાર કોઈ દિવસ પગ નથી મૂક્યો. ટાઢ-તડકો દેખેલ નથી. આજ આખો દિવસ ચાલી ચાલીને એ થાકી ગયેલી, એટલે ઊંઘ આવી ગઈ. પડખામાં બે બાળકો પણ ધાવતાં ધાવતાં સૂઈ ગયાં.

થોડી વારે રાણી જાગી અને જુએ ત્યાં તો એણે ચીસ પાડી. એણે શું જોયું? એક મોટું રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે. ચીસો પાડતી પાડતી રાણી રાણી એ રીંછની પાછળ દોડી. દોડતાં દોડતાં કેટલે ય આઘે નીકળી ગઈ.