પૃષ્ઠ:Doshimani Vato.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજાજી સભા ભરીને કહે કે "રીંછને મારવા કોણ જાય છે? સભામાં બધાયનાં મોઢાં ઊતરી ગયાં. કોઈ બીડુંય ઝડપે નહિ. ત્યારે પછી ચંદ્રકુમાર કહે કે "એ તો મારું કામ."

જંગલમાં ચંદ્રકુમાર એકલો ચાલ્યો. ઢાલ-તલવાર બાધેલી. એટલામાં તો 'હૂહૂ' કરતો બુનો આવી પહોંચ્યો. કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં હેત ઊપજ્યું. એને થયું કે અહા! આ પ્રાણીને મારી નખાય નહિ, એને પકડીને રાજમાં લઈ જઈશ.

બુનાએ તરાપ મારી, ઘડી એક પલમાં તો ચંદ્રકુમારના પ્રાણ જાત, પણ એ બહાદુર કુમારે તરત જ પોતાની ચકચકતી ઢાલ આડી ધરી. એકદમ બુનો પાછો હઠ્યો. એ ચકચકતી ઢાલમાં એણે પોતાનું રૂપ જોયું. એને થયું કે, 'ઓહો! શું હું માણસ જેવો છું?' એકદમ એનું ઝનૂન ઓછું થઈ ગયું. ચંદ્રકુમાર ફાવ્યો. એણે બુનાને તરવાર ભોંકી. થાકીને બુનો પડી ગયો. ચંદ્રકુમાર કહે કે "ચાલ, મારી સાથે." બુનોના મનમાં માનવીના જેવી મમતા વછૂટી. એ ચંદ્રકુમાર સાથે પાળેલા પ્રાણીની પેઠે ચાલ્યો ગયો.

રાજમાં આવ્યા, ત્યાં તો લોકોની દોદાદોડ, મા છોકરું મૂકીને ભાગે. ધણી બાયડી મૂકીને પલાયન કરે. વેપારી દુકાન છોડી દોટ કાઢે. ચંદ્રકુમાર બુનોને લઈને જ્યાં રાજદરબારમાં જાય, ત્યાં તો બૂમાબૂમ થઈ રહી. ચંદ્રકુમારે કહ્યું:" બીશો નહિ, બુનો આપણો દોસ્ત બન્યો છે." પછી તો નાનાં નાનાં છોકરાં પણ બુનોની પાસે આવે ને એને પંપાળે. બુનો એનાં મોઢાં ચાટે. કોઈ નઠોર છોકરું વળી એને લાકડી પણ મારી જાય. પણ બુનો તો બોલે નહિ, ચાલે નહિ ને બેઠો બેઠો હસ્યા કરે.

આમ દિવસો સુખમાં કાઢે છે, ત્યાં વળી માણસોના ટોળાં ને ટોળાં પોકાર કરતાં આવ્યાં કે "એક લોઢો રાક્ષસ આવીને માણસોને મારી જાય છે. કોઈ રક્ષા કરો! રક્ષા! કરો!"

લોઢા રાક્ષસને કોણ મારવા જાય? સૌ કહે કે 'મોકલો આ બુનોને : બેઠો બેઠો ખાધા જ કરે છે. અને આ રાજકુમારને પણ મોકલો; એને આવડો મોટો પગાર છે ને વળી પોતાના પરાક્રમનું એને બહુ જ ગુમાન છે. હવે જોઈ લેશું કે એનામાં કેટલું પાણી છે.'

બુનો ને ચંદકુમાર તૈયાર થયા. માંડ્યા ચાલવા. કેટલાં કેટલાં વન વીંધ્યાં, કેટલાં ડુંગરા ચડ્યા, કેટલી યે મોટી મોટી નદીઓ તર્યા. પછી આવ્યો એક લોઢાનો પહાડ. આખો પહાડ લોઢાનો. ઝાડનું એક તરણું યે નહિ. સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતોચોળ થયેલો. એ પહાડની અંદર લોહપુરી નામે નગરી. નગરીને દરવાજે રાક્ષસોની ચોકી અને મોટા મોટા ઘંટ બાંધેલા. આ બે ભાઈઓ પહોંચ્યા, ત્યાં તો ઘંટ 'ટણણ ટણણ' વગડવા લાગ્યા. ઘડી વારમાં તો લોઢો રાક્ષસ આવી પહોંચ્યો. આ બે જણાને જોઈને તે ખૂબ હસ્યો: "હા! હા! તમે મને મારવા આવ્યા છો! ઠીક, આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે છે; એને જરા ઉપાડો તો! કેટલુંક જોર છે તમારામાં?"