પૃષ્ઠ:Doshimani Vato.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઇલા એક માળીની દીકરી હતી. તેનું નામ ઇલા. ગરીબ ઘરની છોકરી છતાં ઈલા તો રૂપરૂપનો ભંડાર. સવારે છાબડી લઈને બગીચે ફૂલ વીણે, ને કૂલમાંથી આખો દિવસ બેઠી બેઠી માળા ગુંથે. સાંજે એના ભાઈ–બાપ એ માળા વેચી આવે, ને એ પૈસામાંથી ગરીબ ઘરનું ખરચ નીકળે. એક દિવસ બગીચામાં આવીને ઇલા જુએ તો ફૂલ ન મળે. પાડોશી લઈ ગયેલાં. ઈલાની આંખોમાં પાણી આવ્યાં. હવે શી રીતે તે દિવસનું ગુજરાન થશે? કોઈને ઈલાએ ગાળો દીધી નહીં. એ તો તળાવને કાંઠે ગઈ. તળાવની અંદર ઘણાંએ રાતાં ને ધોળાં કમળ ખીલેલાં કેમ જાણે હંસ બેઠાં હોય! વાંકી વળીને ઇલા ફૂલ તોડવા લાગી. છાબડી છલોછલ ભરીને જ્યાં ઊભી થાય ત્યાં તો કોઈ બોલ્યું, “ઇલા!” પાછી ફરીને ઇલા જુએ ત્યાં તો પાણીમાં એક મોટો સાપ બેઠેલો. ઇલા ચમકીને ઊભી રહી. એને બીક લાગી. પણ સાપની માનવીના જેવી વાચા જોઈને એના મનમાં કૌતુક થયું. ફરીવાર સાપ બોલ્યો, “ડરીશ મા, ઈલા! હું એક રાજકુમાર છું. એક મુનિના શાપથી, સર્પ બનીને આ સરોવરમાં રહું છું. મારાથી માણસો બીએ છે, ને કોઈ આ કિનારે આવતાં નથી. અરેરે! કેવાં માણસનાં મન! હું તો કોઈને જરાય કનડતો નથી. પાણીની અંદર એક મોટો મહેલ છે. એ મહેલમાં જઈને હું માનવીનું રૂપ લઉં છું. મહેલમાંથી નીકળતાં જ મારે સાપ બની જવું પડે, માછલાંની ને દેડકાંની વાતો મારાથી સમજાય છે. એ બધાંની સાથે એક-બે વાતો કરીને મન હળવું કરું, પણ ગમે તેમ તોયે એ બધાં તો માછલાં ખરાંને! ને હું તો માનવી. એની સાથે વાતો કરીને કાંઈ જીવાય? એટલે જ તને કાંઈક કહેવાનું મન થાય છે. તું તે સમજી શકીશ, ઇલા?” ઇલાનું મોં ઊઘડ્યું. એ બોલી, “શું કહો છો?” સાપ બોલ્યો: “મારી સાથે તું વિવાહ કર. તને હું મારી રાણી બનાવીશ! કેટલાં કેટલાં મણિમાણેક ને કેટલાં કેટલાં હીરામોતી તારા હાથમાં સોંપીશ. સુંદર ઇલા! ચાલ મારી સાથે.”

ડોશીમાની વાતો

ડોશીમાની વાતો